________________
એક બે નાના નાના ઉપાયો સૂઝે છે. ખબર નહિ, કદાચ કામમાં આવે તો આવે. પહેલી વાત તો એ છે કે પ્રત્યેક મા-બાપ પોતાના બાળકને પ્રાથમિક શિક્ષણ ફરજિયાત ગુજરાતી માધ્યમમાં આપે, અપાવે બાળમંદિર (પ્લે ગ્રુપ , નર્સરી નહીં) થી લઈને પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત ગુજરાતી માધ્યમમાં હોય. તે પછી ભલે તેને ઇંગ્લિશ મિડિયમમાં લઈ જવાય.
સ્કૂલવાળા પછીથી ન સ્વીકારે, એવી ફરિયાદ આમાં આવવાની જ. પણ જો બાળકને શિક્ષિત અને સુઘડ બનાવવામાં મા-બાપે કાળજી લીધી હોય તો સ્કૂલવાળા ના પાડવાની હિમ્મત નહિ કરે. બધો મદાર માતાની કાળજી પર છે.
બીજો વિકલ્પ : બાળક ભલે ઇંગ્લિશમાં ભણે. પણ તેને ઘરમાં રોજ ૧ કલાક અથવા અર્ધા કલાક ફરજિયાત ગુજરાતી શીખવાડવું જોઈએ. સૌ પહેલાં તેને કક્કો અને બારાખડી એટલે કે મૂળાક્ષર (બાવન) તેમ જ જોડાક્ષરોનો પરિચય એવો તો જડબેસલાખ આપવો જોઈએ કે તે અક્ષરો તેને વાંચતાં, લખતાં તેમજ સાચા ઉચ્ચારે બોલતાં આવડી જવા જોઈએ. આ પછી તેને ગુજરાતી વાંચન-લેખન તેની ક્ષમતા પ્રમાણે કરાવતા રહેવાનું. વધુ નહિ, બે જ વરસમાં એ બાળક ગુજરાતી ભાષાનો ખાં બની જશે, અને અંગ્રેજી તો તે ભણતો જ હોય છે.
અમારો સામાન્ય અનુભવ એવો છે કે ગુજરાતી માધ્યમમાં ભણતા / ભણેલા વિદ્યાર્થીનું ઇંગ્લિશ જેટલું સાચું - સારું હોય છે, અને તેનાં ઉચ્ચારણો જેટલાં સ્પષ્ટ તથા સાચાં હોય છે, તેટલું સાચું – સારું અંગ્રેજી (તેમજ ગુજરાતી) જ્ઞાન ઇંગ્લિશ - મિડિયમમાં ભળેલા વિદ્યાર્થીનું નથી હોતું.
ઇંગ્લિશ મિડિયમમાં ભણતા – ભણેલા વિદ્યાર્થીઓને એવો અહેસાસ થવા દો કે તેમણે અંગ્રેજી ભલે મેળવ્યું, પણ તેની સામે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત જેવી અનેક કિંમતી બાબતો ગુમાવી દીધી છે, જે તેણે ગમે તે ભોગે પણ મેળવવી જ જોઈએ. આટલો અહેસાસ પણ તેને પોતાનાં મૂળિયાં સુધી લઈ જશે.
(જેઠ-૨૦૬૫)