________________
જવાબમાં એ ખેડૂતે છ- સાત વાતો એ મૌલાને કહી, તેમાંની એક વાત કંઈક આવી હતી :
સાંઈ ! માલિકે કહ્યું છે કે તારી એબો જોવાની પૂરી ન થાય, ત્યાં સુધી બીજાની એબ જોતો નહિ. હવે મારામાં જ એટલી બધી એબો છે કે તેને જોવા - સમજવાનું કામ પૂરું જ થતું નથી, પછી બીજાની એબ જોવાનો સમય મને ક્યાંથી મળે? એટલે હું કોઈનીય એબ જોતો નથી, સાંઈ! - સાંઈ તો આ સાંભળીને ડઘાઈ જ ગયા ! તેમણે કહ્યું : બંધુ, તું સાચા માર્ગે છો. તારી બંદગી આમાં જ આવી ગઈ. તું આગળ વધ્યે જા
આપણને પણ આવા સાચા બંદા કે ભક્ત મળી આવે. આપણી આંખો જો ખુલ્લી રાખીને જીવીએ તો આવા બંદા આપણી આસપાસમાંથી જ મળી આવે. શરત એક જ : કોઈનું સારું જ જોવા જેટલી જાગૃતિ કેળવવી પડે. કોઈના દોષ જોવાની ઉંઘ જે વળગી છે, તેને ખંખેરી નાખવી પડે.
આપણે આવી જાગૃતિ કેળવી શકીએ ખરા? સંતો કહે છે કે જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હે સો ખોવત હૈ... અર્થાતુ, જાગે તેને જ જડે. ઉંઘતો તો ભૂલો જ પડે.
અને આપણી ઉંઘ પણ કેટલી જાતની ? તૃષ્ણાની ઉંઘ, વાસનાની ઉંઘ. મારું - તારું ઉંઘ. “હું'ની એટલે કે અહંકારની ઉંઘ. તુચ્છતા કે હલકી મનોવૃત્તિની ઉંઘ. બીજાને ભોંઠા પાડી દેવાની વૃત્તિની ઉંઘ, બીજાને પડતો – આખડતો જોઈને રાજી રાજી થવાની ઉંઘ. બાપ રે ! આવી તો અઢળક ઊંઘ આપણને ઘેરી વળી છે ! આટલી બધી ઉઘને ઉડાડવા માટે કેટલું બળ કેળવવું પડે? કેટલું સામર્થ્ય વિકસાવવું અને અજમાવવું પડે? એ સામર્થ્ય આપણામાં હજી સુધી તો પેદા થયું નથી. બલ્ક એવું સામર્થ્ય વિકસાવવા માટેની સમજણ તથા ઇચ્છાશક્તિ કશું જ આપણી પાસે છે નહિ. તો પછી આપણી ઉંઘ ઉડશે? અને ઉંઘ નહિ ઉડે તો જાગૃત જણને જ મળે તેવા લાભ આપણને શી રીતે પ્રાપ્ત થશે?
આ સવાલ હવે આપણે આપણને ખુદને પૂછવાનો છે. મળેલો આ મનુષ્ય - અવતાર એ જાગૃતિનો અણમોલ અને મહામહેનતે માંડ માંડ મળતો એકમાત્ર અને શ્રેષ્ઠ મોકો છે. આ તક ચૂકી જઈશું તો ફરી ફરી આવો મોકો મળે તેવી શક્યતા નહિવત્ છે. મહાપુરુષો તો ગાઈવગાડીને જાગૃતિની પ્રેરણા પીવડાવે છે. આપણે તેને ઝીલીએ – ઝીલવા માટે કટિબદ્ધ થઈએ, તો પણ ઓછું નથી.
(ફાગણ-૨૦૬૫)