________________
પડ્યાનો કચવાટ વધારે હોવાનો.
પહેલાં અપેક્ષા અને પછી ફરિયાદ, એ આપણી વ્યાપક અને સામાન્ય સ્થિતિ છે. અપેક્ષા રાખવાની ના નથી, શરત એટલી જ કે અપેક્ષા પૂરી ન થાય તો રડવાનું નહિ, ફરિયાદ કરવાની નહિ. અપેક્ષા રાખવા છતાં નિરપેક્ષ બનવાનો આ અદ્ભુત ઉપાય છે. કમભાગ્યે, આ બાબત આપણને માફક આવતી નથી. પરિણામે આપણા ભાગ્યમાં દુઃખ અને ફરિયાદ સિવાય કાંઈ બચતું નથી. અપેક્ષા પૂરી થાય તોય આપણે દુ:ખી હોઈએ છીએ; અને અપેક્ષા સંતોષાય નહિ, તો પણ આપણે નર્યા દુઃખી જ હોવાના !
આનો અર્થ એટલો જ કે આપણા સુખ કે દુઃખનો ઈલાજ આપણા જ હાથમાં છે. આપણામાં અપેક્ષા અને ફરિયાદ જેટલાં વધુ માત્રામાં, તેટલા આપણે વધુ દુઃખી. અને આપણે જેટલે અંશે નિરપેક્ષ બની રહીશું, તેટલે અંશે આપણે વધુ સુખી થઈ રહેવાના.
અપેક્ષા વધારતાં જઈને દુઃખમાં વૃદ્ધિ ઘણી કરી, હવે થોડીક નિરપેક્ષતા કેળવીને સુખની પણ વૃદ્ધિ કરીએ.
(મહા-૨૦૧૫)