________________
૪
અંગ્રેજી મિતિ પ્રમાણે આજે નવું વર્ષ પ્રારંભાય છે. હેપી ન્યૂ યરનો આજે દિવસ છે. આપણા પરંપરાગત નૂતન વર્ષ અને આ અંગ્રેજી નૂતન વર્ષ - બંને વચ્ચે એક દેખીતો તફાવત એ છે કે આપણી પરંપરામાં નવા વર્ષનો આરંભ દાન, દયા, ભલાઈ, પરમાર્થ, પ્રાર્થના અને એ બધાં દ્વારા લાધતા આનંદ સાથે થતો હોય છે. જ્યારે અંગ્રેજી વર્ષારંભ રંગ-રાગ અને મોજ-મજાહ સાથે થતો હોય છે. આ તફાવત વાસ્તવમાં સાંસ્કૃતિક તફાવત છે. પરદેશની ને પરધર્મની સંસ્કૃતિ આપણા માનસ પર કેટલી બધી છવાઈ ગઈ છે એનો પાકો અંદાજ અંગ્રેજી નૂતન વર્ષ અને નાતાલની ઉજવણી જોતાં મળી શકે. અમેરિકામાં જન્મેલા અને ભણતા એક યુવકે કહ્યું કે, અમદાવાદમાં જે રીતે નાતાલ ઉજવાય છે, એવું તો અમને અમેરિકામાં પણ જોવા મળતું નથી! અહીંની નાતાલ જોઈને અમને તો ચીતરી ચડે છે!
સાંસ્કૃતિક આદાન-પ્રદાન ચાલતું રહે તો તે તો આવશ્યક છે અને અપેક્ષિત પણ. પરંતુ આ જે ચાલે છે તે તો સંસ્કૃતિનો હ્રાસ છે! સંસ્કૃતિમાં તપ અને ત્યાગ કેન્દ્રમાં હતાં, એટલે એ બધું જ પરિવર્તન કે આદાન-પ્રદાન કે આક્રમણ જીરવી શકાતું હતું અને સહ્ય પણ બની જતું હતું. પણ સાંસ્કૃતિક હ્રાસના આ સમયમાં તપ અને ત્યાગ કેન્દ્રમાંથી ખસી ગયાં છે, અને તેના સ્થાને ભોગ અને સ્વચ્છંદતાની પ્રતિષ્ઠા થઈ છે. પરિણામે જગતની શ્રેષ્ઠ ગણાતી આપણી ‘સભ્યતા’ અત્યંત ઝડપથી ‘અસભ્યતા'માં પલટાઈ જઈ રહી છે. ન ગમે એવી પણ આ વાસ્તવિકતા છે, જેનો ઇન્કાર કરી શકાય તેમ નથી.
સ્વચ્છંદ કે નિરંકુશ થવું એ જરા પણ અઘરૂં નથી. તમે વડીલોની આમન્યા લોપવા માટે તૈયાર હો, અથવા પરંપરાએ સીંચેલા મર્યાદાના સંસ્કારોને તડકે મૂકવાની હિંમત કેળવી જાણો, તો તમે સ્વચ્છંદ જ નહિ, ધીઠ અને નફ્ફટ પણ બની શકો છો. એ પછી તમારે કોઈ પણ વાતે વિચારશીલ બનવાની ઝંઝટમાં પડવું નહિ પડે. સ્વચ્છંદતા અને વિચારશીલતાને કમેળ હોય છે. સ્વચ્છંદી માણસ ભાગ્યે જ વિચારી શકે છે. કેમ કે વિચારવું એ જાત સાથે વાત કરવા બરાબર છે, અને સ્વચ્છંદી વ્યક્તિ માટે તો એ ભારે ડરામણી સ્થિતિ ગણાય. વિચારનારો માણસ ભાગ્યે જ સ્વચ્છંદી હોય છે અથવા બની શકે છે. વિચારશીલતા એ સ્વયં એક પ્રકારનો અંકુશ છે, જે આપણને મર્યાદાનું અને આમન્યાનું પાલન કરવા
ચિન્તન