________________
જેમ જેમ વખત વીતતો જાય છે, તેમ તેમ કેટલાંક તથ્યો અનુભવે સમજાતાં જાય છે. તથ્થોના સમજાવા સાથે જ ઘણા ઘણા ભ્રમો ભાંગીને ભૂકો થતાં જાય છે. ભ્રમ હંમેશાં અવાસ્તવિક હોય છે. છતાં તેને જ સાચો માનીને, અથવા તેને ભ્રમ' નહિ માનીને જીવવામાં આપણને એક પ્રકારની નિરાંતનો કે પછી સલામતીનો અનુભવ થતો રહે છે. વાસ્તવિકતાનો બોધ આપણને એકલાઅટૂલા પાડતો હોય છે, જ્યારે “ભ્રમ' હમેશાં આપણને બાહ્ય સલામતીનું આશ્વાસક કવચ પૂરું પાડતો હોય છે.
તથ્યોનો બોધ અને સ્વીકાર, અને ભ્રમણાઓનો ભૂકો કરનારા તધ્યાનુભવોના પરિણામે, દેખીતી રીતે કે વ્યવહારમાં ભલે અસલામતી કે એકલતા ઊભી થતી લાગે. પણ ખરેખર તો તેનાથી એક સ્પષ્ટ અને સ્વસ્થ સમજણનો ઉદય થતો હોય છે, જે ચિત્તને અને જીવનને વધુ સહિષ્ણુ, વધુ સ્વસ્થ, વધુ ઉદાર અને વધુ ઉદાત્ત બનવા તરફ દોરી જાય છે.
આપણામાં વર્તતી ભ્રમણાઓનું મૂળ આપણી “મમતા'માં પડેલું હોય છે. મારી મમતા મને અહં તરફ ધકેલતી રહે છે, તો તે મને અનંત ઇચ્છાઓ અને તૃષ્ણાઓની ચુંગાલમાં પણ ફસાવે છે. આ બધાંને લીધે હું સતત એક નશામાં જીવું છું કે “આ મારું છે, આ હું ધારું તેમ જ વર્તે, આનાથી મારી બધી જ અપેક્ષાઓ તૃપ્ત થાય જ.'
ભ્રમણાનો આ પરપોટો એટલો તો રૂપાળો અને મસ્ત હોય છે કે તે વારંવાર ફૂટી જાય અને તેની જગ્યાએ નવા નવા પરપોટા પેદા થઈ થઈને ફૂટતા જાય, તો પણ તે મારા ધ્યાનમાં આવતું નથી. મારી માનેલી વ્યક્તિ, એકાદ વાર મારું ધાર્યું કરે, અને પછી અનેકવાર તે મારી ધારણાથી ઊંધું કરે તો પણ, મને તો પેલો પ્રથમ પરપોટો જ દેખાય છે. તે તથા તેની પછીના અગણિત ફૂટી ગયેલ પરપોટા જાણે મને દેખાતા જ નથી! ભ્રમણા પણ કેવી અદ્ભુત!
હું માનું કે બધા મારું જ માને છે : ભ્રમણા-૧. હું માનું કે બધા મને હમેશાં વફાદાર છે? ભ્રમણા-૨. હું માનું કે મને તો બધા છેતરે જ નહિ, મારાથી તો છૂપાવે જ નહિઃ ભ્રમણા-૩. હું માનું કે હું ધારું તે કરી શકુંઃ ભ્રમણા-૪. હું માનું કે બધાએ મારી ઇચ્છા મુજબ જ વર્તવું જોઈએ : ભ્રમણા-૫. હું માનું કે મને