________________
હમણાં એક જૂની લોકોક્તિ જેવું સુભાષિત વાંચવા મળ્યું. શાણા મનુષ્યોની શાણી વાતો આવી સહજ લોકોક્તિ વાટે સાવ સુગમ અને સરળ રીતે પ્રગટતી હોય છે, જે સુજ્ઞ મનુષ્યના જીવનને અજવાળી જનારી નીવડે છે એ ઉક્તિ આવી
નેકી કર ઔર દરિયામેં ડાલ બદી કર તો પલ્લુ મેં ડાલ
અર્થાત્ આ ઉક્તિમાં કહે છે કે તમે સારું કામ જો કરો, તો તે કર્યા પછી ભૂલી જજો, યાદ ન રાખતા. ઘણા મહાનુભાવોએ ઘણાં ઘણાં સારાં કામો એટલાં મોટાં કર્યાં છે કે તેનો જાણે કે મોટો દરિયો બન્યો છે. તમારા સારા કામનું મૂલ્ય એની સામે એક તુચ્છ બિંદુ જેટલું જ હોઈ શકે. એટલે સારું કામ થઈ જાય તો તેને દરિયામાં પધરાવી દઈને ભૂલી જવામાં જ શ્રેય છે.
અને એથી સાવ વિપરીત, જો તમે ખોટું કામ - બદકામ કર્યું હોય કે કરો, તો તેને ગાંઠે બાંધીને રાખજો; કદી ભૂલતા નહિ. ખોટું કરેલું યાદ રહેશે તો ક્યારેય સારા કામનું અભિમાન નહિ થાય, અને ખોટાં કામનો પસ્તાવો હમેશાં હૈયે રહેશે.
સારાંશ એટલો કે સારું કામ જ કરવું, જરૂર કરવું, પણ તે કર્યા પછી મેં કર્યું છે' એવો ગર્વ કદી ન કરવો. એ કામને જ્યાં ને ત્યાં ગા ગા ન જ કરવું, અને શક્ય પ્રયત્ન તેને ભૂલી જ જવું. તો ખોટું કામ ન જ કરવું, કરવું પડે કે થઈ જાય તો તેને સતત યાદ કરવું, યાદ કરીને તેનો પસ્તાવો કરવો. કોઈ કહે કે તે આવું કર્યું? તો તે વાતનો પ્રમાણિકપણે અને ખેલદિલીપૂર્વક એકરાર કરવો જ, પણ નફફટ ન થવું.
આજના આપણા વ્યવહારથી અને પ્રથાથી સાવ ઊંધી શિખામણ આ ઉક્તિમાં છે. આપણો વ્યવહાર એવું શીખવે છે કે, સારું કામ થઈ જાય તો તેની જોરશોરથી જાહેરાત કરો. અને જો ખોટું કામ કર્યું હોય તો તેની બીજા કોઈને ગંધ પણ ન આવી જાય તેની પેરવી કરો. અને છતાં જો આપણા ખોટાની બીજાને જાણ થઈ જાય તો તે આપણને સંભળાવી ન જાય અથવા તે વાત તેનાથી આગળ ન વધે તે માટેની આપણે પાકી ગોઠવણ કરી દઈએ. આપણને આપણું ખરું કે ખોટું, સારું કામ જાહેર કરવામાં ઊંડો રસ હોય છે. અને એટલો જ ગાઢ