________________
રસ આપણા ખોટાને ઢાંકવામાં તથા છૂપાવવામાં પણ હોય છે. પાંચ વર્ષના બાળકથી લઈને સમાજમાં અને ધર્મમાં ઊંચા સ્થાને બિરાજમાન પ્રતિષ્ઠિત મહાનુભાવો સુધીના તમામ માણસોની આ જ મનોદશા છે.
વધુ સ્પષ્ટ રીતે જોઈએ તો, આપણને સારું કરવામાં ઓછો રસ છે, પણ આપણને “આમણે સારું કર્યું એવું સાંભળવામાં - કહેવડાવવામાં વધુ રસ છે. આપણને ખોટું કરવામાં આંધળો-રસ છે, પણ તે છતાં, “આમણે ખોટું કર્યું એવું કોઈ માને અને કહે, તો તે આપણને ગમતું નથી. તેનો સ્વીકાર કરવા પણ આપણે તૈયાર નથી થતા.
આવા વ્યવહારમાં જ આખું જગત રાચતું હોય ત્યારે, આ લોકોક્તિ એનાથી તદ્દન વિપરીત શિખામણ આપણને આપે છે કે સારું કરવાનું, અને છતાં સારું કર્યાનો બોધ નહિ રાખવાનો; ખોટું કરવાનું નહિ, છતાં ખોટું થાય તો, ખોટું કર્યાનો અહેસાસ સતત ચિત્તમાં જીવતો રાખવાનો.
મને લાગે છે કે, આ લોકોક્તિના મર્મને અનુસરવાનો પ્રયત્ન એ જ ધર્મનો મંગલ પ્રારંભ છે, અને એમાં જ સમજણનો ઉદય પણ છે. ધર્મની બીજી તમામ વાતો અને રૂઢિઓનું પાલન પણ, ખરેખર તો, ધર્મની સમજણ વિકસાવવા માટે જ કરવાનું હોય છે, એ વાત અહીં સ્વીકારવી જ પડે.
આશા રહે કે આ લોકોક્તિ બધાને ગમશે, અને તેમાંની શાણી શિખામણનું સેવન કરવાનું તો તેથીયે વધુ રુચિકર નીવડશે.
વિશાખ-૨૦૬૨)
ચિત્તન