________________
સંસારનું સ્વરૂપ જેમ જેમ અનુભવમાં આવતું જાય છે, તેમ તેમ આઘાત, આશ્ચર્ય અને છેવટે મધ્યસ્થભાવની લાગણીઓ થતી રહે છે. ન કહ્યું હોય તેવે સ્થળેથી, ઈર્ષાનો, દ્વેષનો, અરુચિનો, વહેમનો અનુભવ, તે પણ સાવ અકારણ જ, થાય છે. ક્યારે ક્યારે પહેલાં તો આઘાત જ લાગે એ સાવ સ્વાભાવિક છે. મન ખિન્ન થાય, ક્વચિત્ વસમું પણ લાગે. વ્યાકુળતા જન્મે. પણ પછી જરા ઊંડા ઊતરીએ, આગળ પાછળનાં કાર્ય-કારણો તપાસીએ તો આઘાત શમવા માંડે અને આશ્ચર્ય અનુભવાવા લાગે. થાય કે કેટલી ક્ષુલ્લક વાતને કેવું વિકૃત રૂપ અપાય છે ! પરંતુ પરિસ્થિતિને જરા ઠરવા દઈએ, તો આઘાત અને આશ્ચર્યમાંથી બહાર આવી જવાય છે, અને વ્યાકુળતાનું સ્થાન મધ્યસ્થભાવ ગ્રહણ કરી લે છે. પછી ખેદ, ક્લેશ, પ્રત્યાઘાત, બદલો લેવાની કે જવાબ આપવાની વૃત્તિ, બધું શાંત પડી જાય અને મૌન, શાંતિ તથા સહનશીલતા જામવા માંડે છે.
આમાં શીખવાનું એટલું જ કે પાકી જાંચ – તપાસ કર્યા વિના, કદી, કોઈને માટે, કોઈ પણ બાબતે, અભિપ્રાય ન બાંધવો. દેખીતી રીતે ખરી લાગતી વાત પણ વાસ્તવમાં ખોટી હોઈ શકે છે. વળી, તપાસમાં કાંઈક ભૂલ પકડાય તો પણ તેના આધારે વહેમ, દ્વેષ કે અરુચિ કેળવીને વર્તન કરવું, સ્વાભાવિક સહજ વ્યવહારને અસહજ કરી મૂકવો, એ પણ શાણા મનુષ્ય માટે ઉચિત નથી. સામા માણસના, આપણને લાગેલા. દોષ ગમે તેટલા મોટા હોય, પણ તેના કરતાં આપણી ઉદારતા વધુ મોટી અને વધુ આગળ જ હોવી જોઈએ - આટલું સમજી લેવામાં જ આપણું શાણપણ પણ છે અને ધાર્મિકતા પણ.
જગતમાં કોઈપણ વ્યક્તિ નિર્દોષ નથી; જો દોષ શોધતાં ફરીએ તો.
તો, કોઈ પણ ભૂલ એવી નથી હોતી, જેને માફ ન કરી શકાય. અથવા જેને સુધારી ન શકાય. પ્રશ્ન સમજણનો છે. ઉદારતાનો છે. દષ્ટિનો છે. ધર્મના પાયાનો છે.
સમજુ જીવ, હરેક ઘટનામાં, હરપળે, સંસારના સ્વરૂપનો અનુભવ કરતો રહે છે, અને પોતાની સમજણને સતત પરિમાર્જિત કરતો રહીને આંતરિક વિકાસ સાધતો રહે છે.
(મહા-૨૦૬૨)
ચિન્તન