________________
એક સરસ વિચાર આવેલો : “આપત્તિને અવસરમાં ફેરવો.”
તકલીફ કોને નથી આવતી? તબિયતની, માનસિક, ધંધાકીય, કૌટુંબિક, સામાજિક અથવા અન્ય અનેક પ્રકારની તકલીફ કે આફત પ્રત્યેક વ્યક્તિને જીવનમાં આવતી જ હોય છે. તકલીફ વિનાનું જીવન જ સંભવિત નથી.
આપણને તકલીફ આવે છે ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા હોય છે ફરિયાદ કરવી, રોદણાં રડવાં અને વ્યાકુળ બની જવું. આ બધું કરવાથી તકલીફો ઘટી હોવાનો દાખલો બન્યો હોય તો તે હજી જાણવા મળ્યો નથી.
શાણા લોકો શીખવાડે છે કે ગમે તેવી વિકટ સ્થિતિ સર્જાય તો પણ શાંતિ જાળવી શકે, પૈર્ય ગુમાવે નહિ, અને આવી પડેલ સંકટને કે મુશ્કેલીને અનિવાર્ય આફત-સ્થિતિ લેખે સ્વીકારીને વર્તે, તે જ માણસને શાંતિ પ્રાપ્ત થવાની. બાકી માત્ર કકળાટ કર્યા કરનારનું તો જીવન છિન્ન ભિન્ન જ થવાનું.
આપણા અંગત જીવનમાં પણ સમસ્યાઓ આવે છે. આપત્તિ આવે જ છે. એવે વખતે આપણે કેવી રીતે વર્તીએ છીએ તે તપાસવાનું છે. જો આપણે શાણા હોઈશું તો રોદણાં રડવાને બદલે એ આવેલ આપત્તિને પણ જીવનની શુદ્ધિવૃદ્ધિનો અવસર બનાવી દઈશું. અને જો આપણું કાળજું ઠેકાણે નહિ હોય તો એકમાંથી અનેક સમસ્યાઓ પેદા કર્યા કરીશું.
આપણે શાણા છીએ ખરા? કે પછી રડમસ છીએ? વિચાર કરવા જેવો છે.
(જેઠ-૨૦૧૬)