________________
તોછડો બનાવે, અતડો બનાવે, રસાળ બનાવે. અહંકારી આપવડાઈમાંથી ઊંચો ન આવે અને બીજાની હલકાઈમાં જ એ રાચે. અહંકારીનો લોકો ગેરલાભ પણ ઘણો ઉઠાવે અને કાળાંતરે તેને સૌની અવગણના પણ ખમવી જ પડે.
અશુભ માર્ગના આ તો થોડાક નમૂનામાત્ર છે. આવાં તો અગણિત વાનાં છે જે મનુષ્યને અશુભના માર્ગે લઈ જાય, માણસની મતિ બગાડે અને ફલતઃ તેની ગતિ પણ બગાડે. અશુભ માર્ગ ગણાતી આવી દરેક બાબતનો ત્યાગ કરવો તેનું નામ “ધર્મ. અશુભને છોડવું તે ધર્મ અને ધર્મ જેમ જેમ વધતો જાય, સમજાતો જાય, તેમ તેમ અશુભ છૂટતું જાય.
મનુષ્યજીવનને સાર્થક અને સફળ બનાવવા માટે બે જ વાત કરવી ઘટે : આસક્તિ, ઈર્ષા, ધૃણા, ક્રોધ, અહંકાર જેવાં દૂષણોને જીવનમાંથી તિલાંજલિ આપવી અને ધર્મતત્વને જીવનમાં અગ્રિમ સ્થાન આપવું.
આટલું કરે તે મનુષ્ય માટે ભવસાગર પાર ઊતરવાનું કામ ઘણું સહેલું થઈ પડે. તેનું ભવભ્રમણ અવશ્ય ઓછું થાય. એથીયે વધુ મહત્ત્વની વાત એ કે આવા મનુષ્યનો જન્મારો સફળ નીવડે. તેના માનવીય તેમજ આધ્યાત્મિક ગુણોનો ભારે વિકાસ થાય.
ધર્મ વિહોણું જીવન નિષ્ફળ જીવન છે. ધર્મથી સુવાસિત જીવન તે સાર્થક જીવન છે. આમ માનવાનું કારણ એટલું જ કે ધર્મ એ એક એવો પદાર્થ છે કે જે અહીંયા – આ જન્મમાં આચરવામાં આવ્યો હોય તોય એ પરભવમાં પણ આપણી સાથે આવે છે. કમાયેલો પૈસો ગમે તેટલું સાચવીએ તો પણ અહીં જ રહે છે. કામના અર્થાત્ ભોગ વિલાસનાં સાધનો પણ અહીંના અહીં જ છૂટી જાય છે. સાથે કશું જ આવે નહિ, લઈ જવાય નહિ. એટલે જે વસ્તુને મહાપ્રયત્ન મેળવ્યા પછી પણ સાથે લઈ જવાતી ન હોય તે વસ્તુ “આપણી” કેમ કહેવાય? તે આપણને મળે તો પણ તેનું મૂલ્ય “ભાડોત્રી વાહન'થી વિશેષ કશું જ ન ગણાય. એથી સાવ ઊલટું, ધર્મ' એ એટલા માટે આપણી વસ્તુ છે કે તેના પર આપણી માલિકી છે, તેને આપણી સાથે પરભવમાં લઈ જઈ શકીએ છીએ અને તેના થકી આપણા આ મનુષ્યભવને સફળ તથા સાર્થક પણ બનાવી શકાય છે.
શાણો મનુષ્ય દુર્લભ એવા જીવનને, પુદ્ગલની આસક્તિમાં, દેખાદેખીથી પણ વેડફે નહિ.
સમજુ વ્યક્તિ અશુભ માર્ગેથી વહેલાસર પાછો વળી જાણે અને સવેળા ધર્મના શુભ માર્ગ પર ગતિશીલ – પ્રગતિશીલ બની જાય.
(કાર્તક-૨૦૬૫).