________________
વર્ષાઋતુના અથવા વર્ષાકાળના ૪ મહિનાના ગાળાને ચાતુર્માસ અથવા વર્ષાવાસ તરીકે શાસ્ત્રકારોએ ઓળખાવ્યો છે. આ ગાળામાં વરસાદ પડતો હોય છે, પડવાની સંભાવના હોય છે. એથી આ ગાળામાં પદયાત્રા કરવા જતાં અનેક પ્રકારે અનેક જીવોની હિંસા થાય છે. એ કારણે ભગવાને ચોમાસાના દિવસોમાં વિહાર કરવાનો નિષેધ કરેલ છે. ભગવાન સ્વયં પણ વર્ષાકાળમાં વિહાર કરતા ન હતા, અને તેમના શાસનના મુનિઓ માટે વર્ષાકાળમાં વિહાર નહિ કરવાની તેમની આજ્ઞા પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવી છે. આ આજ્ઞાનું અથવા તો મર્યાદાનું પાલન હજારો વર્ષોથી સાધુઓ કરતા આવ્યા છે. અને આજે પણ, અમુક અપવાદોને બાદ કરતાં, તેનું પાલન બધા કરે છે. તે જૈન શાસનની અદ્ભુત મર્યાદાનું સૂચક છે.
અષાઢ સુદિ ૧૪નું પ્રતિક્રમણ સ્થાપ્યા પછી કાર્તિક શુદિ ૧૪ નું પ્રતિક્રમણ થાય ત્યાં સુધી વિહારયાત્રા પર પ્રતિબંધ એ પ્રભુની અને શાસ્ત્રોની આજ્ઞા છે. તેમાં પણ સંવત્સરી પર્વનું પ્રતિક્રમણ જ્યાં સ્થાપ્યું હોય ત્યાં બાકીના કા.શુ. ૧૪ સુધીના દિવસો ગુજારવાનું તો ફરજિયાત ગણાયું છે.
કેટલાક લોકો વર્તમાનમાં આ આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં જોવા મળે છે. એવા લોકો અપવાદ માર્ગનો આધાર લઈને સંવત્સરીના બીજા – ત્રીજા દિવસે જ સ્થાનપરિવર્તન કરે છે, કવચિત્ વિહાર કરીને ૪૦-૫૦ કિમી. દૂરના સ્થાને પણ જતા જોવા મળે છે. એ દિવસે ફરીથી ભવ્ય સામૈયા સાથે વાજતેગાજતે ચોમાસાનો (બીજો) પ્રવેશ પણ તેઓ કરે છે. વળી, કાજુ ૧૫ પહેલાં જ, ચૌદશે અને કદીક તો તેનાથી પણ બે દહાડા આગળ વિહાર શરૂ કરી દેતાં જોવા મળે છે.
અપવાદમાર્ગનું સેવન અનિવાર્ય એવા આગાઢ કારણે એટલે કે આપદ્ધર્મ રૂપે જ થાય એવી પ્રણાલિકા છે. એવા કોઈ જ ખાસ કારણ વિના જ ઉપર જણાવ્યું તેમ અપવાદનું આલંબન લેવાયું છે – લેવાય છે, ત્યારે તેમ કરનારાઓને આજ્ઞાનો ભંગ, તેમની દેખાદેખીએ બીજા – અજ્ઞાન જીવો દ્વારા પણ તેવી પ્રવૃત્તિ શરૂ થવાથી અનવસ્થા અથવા અંધ-પરંપરા, અને તેના ફળસ્વરૂપે મિથ્યાત્વ સુધીના દોષો લાગે છે. અર્થાત્, આવી અયોગ્ય પ્રવૃત્તિનું સમર્થન કરવું તે પણ મહાદોષનું જ કારણ
ગણાય.