________________
હમણાં હમણાં એક વિચાર મનને બહુ પજવે છે. વિચાર જરા તોફાની છે, પણ વહેતો મૂકવો છે. સવાલ એવો છે કે આ જગતમાંથી ધૃણા, ઈર્ષા, ક્ષુદ્રતા, વૈર-વિરોધ જેવાં તત્ત્વો કાયમ માટે નાબૂદ થઈ જાય તો શું થાય ? કોઈ પણ મનુષ્યના દિલમાં આમાંનું કે આના જેવું એક પણ તત્ત્વ રહેવા જ ના પામે એવી સ્થિતિ સર્જાય તો કેવું થાય ?
સવાલ ઊગે તેની વળતી જ પળે જવાબ પણ અંદરથી જ આવે : જો આ બધાં તત્ત્વો જગતમાંથી નાબૂદ થઈ જાય તો તો પછી આપણે જેને “સંસાર' કહીએ છીએ તે – સંસાર – જ ખતમ થઈ જાય ! સંસાર નામના પદાર્થનું પછી અસ્તિત્વ ન ન રહે! અને જો સંસાર જ ન રહે તો પછી ધર્મ અને તેની સાધના થકી મોક્ષની પ્રાપ્તિ - એ પણ કેવી રીતે રહેશે?
કેમ કે સંસાર એટલે જ આ બધાં નકારાત્મક તત્ત્વો. આ તત્ત્વો જ આત્માને બંધનગ્રસ્ત બનાવે છે, પાપ અને પુણ્યરૂપે તેમ જ લેણ-દેણના સંબંધોરૂપે કર્મ સાથે તેમજ જગતના અનેક અનેક જીવો સાથે જોડી આપે છે. અને આવું થાય તેને જ કહેવાય છે-સંસાર, સંસારનું પરિભ્રમણ અને સંસારની વૃદ્ધિ. આ બધી જ બાબતો, પેલાં અસત્ ગણાતાં તત્ત્વો ઉપર જ આધારિત છે. એટલે એ તત્ત્વો જ જો નાશ પામે – પૃથ્વી ઉપરથી, તો એક પણ જીવ કર્મ નહિ બાંધે, એક પણ જીવને સંસારમાં - ભમવા – ભટકવાનું નહિ રહે અને બધા જ જીવો સંસારથી છૂટીને મુક્ત બની જશે.
આવું ખરેખર બને તો કેટલું સરસ થાય ! કેવી મજા પડી જાય ! પછી કોઈએ કોઈને દુઃખી જોવાના ન રહે, દુ:ખી કરવાના પણ ન રહે! બધાં જ જીવો સુખી, સુખી અને સુખી બની જાય! ભગવાન કરે ને આવું થઈ જાય તો કેવું સારું !
હમણાં બસ, મનમાં આવો જ વિચાર સવાર થઈ પડ્યો છે. ખબર છે કે આવું બને જ નહિ, આવું બની શકે જ નહિ, જો બનતું હોત તો તો અનંત તીર્થંકરો થઈ ગયા તેમાં ક્યારનુંય બની ગયું હોત. ખરેખર તો અતુલબલી કે અનંત શક્તિ અને કરુણાના સ્વામી હોવા છતાં, તીર્થકરો પણ આવું બનાવી શકતા નથી, તે વાસ્તવિક્તાનો ઈન્કાર કરી ન શકાય. તીર્થકરો ખુદ કહે છે કે આખા જગતમાંથી એક ધડાકે એકી સાથે બધા અશુભ તત્ત્વોનો નાશ ત્રણ કાળમાંયે નથી થવાનો. હા, દરેક આત્મા કે પ્રત્યેક વ્યક્તિ, પોતાના ચિત્તમાંથી તથા જીવનમાંથી, સર્વ