________________
૧૭
જૈન પરંપરામાં બે શબ્દો બહુ મજાના છે. ભવચક્ર અને સિદ્ધચક્ર. ભવચક્ર પૂર્ણ થાય તેને સિદ્ધચક્રમાં સ્થાન સાંપડે. જેમ જેમ આત્માનું ભવચક્ર ઘટતું જાય તેમ તેમ તેનામાં બાહ્યાંતર ગુણો આપોઆપ વિકસવા માંડે. બીજી રીતે, કોઈ વ્યક્તિનું ભવચક્ર એટલે કે ભવભ્રમણ ઘટ્યું છે કે કેમ, અથવા કઈ હદે ઘટ્યું છે, તે જાણવું હોય તો તેના આંતરિક ગુણોના વિકાસ તરફ તથા તેના બાહરી વર્તન તરફ ધ્યાન આપવું. દેવ પ્રત્યે અંતરમાં વધતો જતો અહોભાવ અને ગુરુ પ્રત્યે હૈયામાં પ્રવર્તતો ગાઢ સમર્પણભાવ - આ બે વાનાં બાકીના અનેક અથવા તમામ ગુણોની જડ છે. અર્થાત્ આ બે વાનાં હોય ત્યાં બીજા ગુણો અનાયાસે ઊગવાના જ, એમાં બે મત નહિ.
આપણા દેવ અરિહંત છે. રાગ અને દ્વેષ ન હોવા એ એમની ઓળખ છે. કર્મોનો ક્ષય થકી શુદ્ધ આત્મસ્વરૂપે વર્તવું એ એમની તાત્ત્વિક અને શાશ્વત સ્થિતિ છે. એ દેવનો અનુગ્રહ અથવા કરુણાના બળે જ મારું અસ્તિત્વ છે, અને એના બળે જ મારી બાહ્ય તેમજ અત્યંતર ઉન્નતિ છે, આવો પ્રબળ વિશ્વાસ આપણામાં હોવો ઘટે. આ વિશ્વાસ હોય તો, તો જ, આપણામાં સહજપણે મૈત્રી, ઉદારતા, કરુણા, સરળતા વગેરે તત્ત્વો પ્રગટ્યા વિના ન રહે. આપણો “એ નામાં વિશ્વાસ અને “એ”નો આપણા પર અનુગ્રહ, આ જ છે, આપણામાં થનારા ગુણવિકાસનો પાયો. માત્ર ગુણવિકાસ જ શા માટે? આપણા ભૌતિક – આધ્યાત્મિક સુખની ચાવી પણ આ વિશ્વાસમાં જ સમાયેલી છે.
અરિહંત ગમ્યા હોય તેને ગુરુ ગમવાના જ. અથવા, અરિહંત ગમે તેને જ ગુરુ ગમશે. ગુરુ અને દેવ – બન્ને મળવા એ એક વાત છે અને એ બન્ને ગમવા એ બીજી બાબત છે. આ બન્ને મળે એ દુર્લભ; પણ એ ગમે એ તો એનાથીયે વધુ દુર્લભ !
જે ગમે તેના પર આપણને પ્રીતિ થાય. તેના પ્રત્યે આપણને સદ્ભાવ ને લગાવ જાગે. તેનો ભરોસો કરવાનું મન થાય. અને એ પ્રીતિ, લગાવ અને ભરોસો ધીમે ધીમે આપણામાં સમર્પણભાવ જગાડે. સમર્પણ એટલે ઓગળી જવું. એની ઇચ્છા એ જ આપણી ઈચ્છા. એના ગમા – અણગમા એ જ આપણા હોય. આ સમર્પણ થકી આપણામાં “ગુરુપારતંત્ર્ય' નામનો સદ્દગુણ જન્માવે. ગુરુ ગમ્યા, પછી પોતાની સ્વતંત્રતા દુર્ગુણ અનુભવાય અને તેમની પરતંત્રતા તે સગુણ હોવાનું પ્રતીત થાય. શાસ્ત્રોમાં સંયમી જીવ માટે “ગુરુપારતંત્ર્ય' એ અતિશય રે