________________
૧૫
થોડા દિવસ અગાઉ અમે અક્ષરધામ - ગાંધીનગરની મુલાકાતે જઈ આવ્યા પોતાના ગુરુ પ્રત્યે સમર્પિત શિષ્યોની ભક્તિ અને સમર્પણ કેવાં હોય, અને તેના પરિણામે કેવાં અદૂભૂત સર્જન અને આયોજન થઈ શકે, તેની પ્રત્યક્ષ પ્રતીતિ આ મંદિર - સંકુલને નીરખ્યા પછી થઈ. મનમાં એક જ વાત ઊગી.
ગુરુની કૃપા અને શિષ્યનું સમર્પણ – એ બે વાનાં ભેગાં મળે તો ધારેલાં જ નહિ, પણ અણધાર્યા પણ રૂડાં ફળ નીપજી આવે.
સમર્પિત શિષ્ય સાંપડવા એ બધા ગુરુના નસીબમાં નથી હોતા. પોતાની ઇચ્છા અને પોતાના અભિપ્રાય - બન્નેને ગુરુચરણમાં વિસર્જિત કરી દે, પોતાના વ્યક્તિત્વ તથા ઓળખને ગુરુમાં ઓગાળી મૂકે, પોતાના સમગ્ર અસ્તિત્વને ગુરુના અસ્તિત્વમાં વિલીન કરી વાળે. આવા શિષ્ય ક્વચિત્ જ અને કોઈકને જ સાંપડતા હોય છે. ગુરુ તો પાત્ર-અપાત્ર જોયા વિના, સમાનભાવે – સમભાવે, શિષ્યનું કલ્યાણ વાંછતા અને કરતા જ રહે; પણ એને ઝીલવા માટેની પાત્રતા કહો કે સજ્જતા, બહુ જ જૂજ મનુષ્યોમાં હોય છે. “મને સમર્પિત શિષ્યો મળો' એવી લાલસા ગુરુમાં ન હોય તે સમજી શકાય, પરંતુ “હું ગુરુની કૃપાનો પાત્ર બને એવી અભિલાષા શિષ્ય થનાર મનુષ્યમાં ન જાગે, એ જરા અટપટું લાગે, સમજી ન શકાય.
મોટા ભાગના શિષ્ય થનારા, ગુરુને ચરણે સમર્પિત થવાનું શીખવાના બદલે, ગુરુના દોષ જોવામાં અને ગાવામાં વ્યસ્ત રહેતા જોવા મળે છે. ગુરુ કહે કે ઇચ્છે તેમ કરવાને બદલે તેઓ કરે તેમ કરવાની રીત કેળવીને, અકાળે જ, ગુરુસમોવડિયા થઈને અને ગુરુને ઉલ્લંઘીને વર્તતા જોવા મળે છે. આમાં ચંચળતા, ક્ષુદ્રતા અને સ્વચ્છંદતાને બળ મળે છે. સમર્પણ આવતું નથી. તેથી શિષ્ય કહેવાવા છતાં શિષ્યત્વ આવતું નથી. શિષ્યત્વ વિના સંયમ વિફલ બની રહે છે. ફલતઃ ગુરુની અહેતુકી કૃપાથી તેવા જીવ હમેશાં માટે વંચિત રહી જાય છે. શેષ રહે છે સોદાબાજી અને વ્યવહાર. શિષ્ય ગુરુનું કામ (ભક્તિ નહિ) કરે, અને ગુરુ તેને યથોચિત સાચવે. પાત્રતા અનુસાર જ મળે અને ફળે.
અક્ષરધામ એ શિષ્યવૃંદના સમર્પણની અને ગુરુની અસીમ કૃપાની ગાથાનું સર્જન છે. તેની મુલાકાત નિમિત્તે ચિત્તમાં જાગેલાં સ્પંદનો તમને પણ વહેંચી દીધાં. આપણા હૃદયમાં પણ આવું અનન્ય સમર્પણ પ્રગટો !
(માગશર-૨૦૬૪)