________________
આપણે ત્યાં પેલું સૂત્ર ભલે પ્રચલિત બન્યું: “જીવો અને જીવવા દો.' પણ એ સૂત્ર અધૂરું છે. બરાબર નથી. જૈન માર્ગનું સૂત્ર આવું હોય, “જીવો અને જીવાડો'. “જીવાડવા માટે અથવા બચાવવા માટે જીવો.” કારણ કે બીજાને બચાવવામાં જ પોતાનો બચાવ હોય છે બીજાના સ્થૂલ જગતની રક્ષા એટલે પોતાના ભાવજગતની રક્ષા.
આ તત્ત્વ જેને સમજાય અને જેના આચરણમાં આવે, તે જૈન મુનિ. કદાચ આજ કારણે આપણાં શાસ્ત્રકારે ફરમાવેલું કે મુનિની પ્રવૃત્તિ પરહિતકારી અને તેથી નિજનો કર્મક્ષય કરનારી જ હોય. અર્થાત મુનિ જે કરે, તેનાથી તેનાં કર્મો ખપે, અને અન્યનું હિત થાય જ.
આટલું ચિંતન થતાં થતાં તો બત્રીસે કોઠે દીવા થઈ ગયા. જૈન મુનિપદ પ્રત્યેનો અહોભાવ હૈયે ઝળહળી ઊઠ્યો. આવું અદ્ભુત મુનિપદ મને મળ્યું છે, આવા મુનિપદનું વિધાન કરનારું પ્રભુશાસન મને મળ્યું છે, તે વાત યાદ આવતાં જ જીવ આનંદના રમણે ચડી ગયો. કેવું અદ્ભુત આ પદ ! કેવું ઉપકારી આ શાસન!
આ શાસનની બીજી કોઈ જ વાત યાદ ન રહે કે વિશિષ્ટ ન લાગે તો તે ભલે બને. પણ આવા મુનિ પદ દ્વારા જગતના સર્વ જીવોનું ભલું કરવાની તેની આ વિલક્ષણ પ્રક્રિયાને તો પદે પદ સંભારવી જ પડે, વિસરી શકાય જ નહિ; એવી આ તેની અનન્ય અને અમૂલ્ય દેણ છે.
અંતમાં ફરી એકવાર પેલું સૂત્ર પાકું કરી લઈએ, “જીવાડો અને જીવો.” અને “જીવાડવા માટે જીવો.” “બચાવવા માટે જીવો.'
પોતાને માટે અને પોતે જેને પોતાનાં માની લીધાં છે તેના માટે તો ઝાડ, જાનવરો, પંખીઓ અને દુનિયા આખી જીવે છે. પણ વ્યવહારની રીતે જે પોતાનાં નથી હોતાં, નથી લાગતાં, તેવા નાનાં મોટાં સઘળાં જીવોને માટે જીવવું, જીવવાની કોશિષ કરવી, એમાં જ સાચું જૈનત્વ છે, એ વાત બધાએ ખાસ યાદ રાખવાની છે. અસ્તુ.
(દ્ધિ.જેઠ-૨૦૬૩)
ધર્મચિન્તન