Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ચેટક ત્યાંથી ચાલ્યો ગયો. કુણિકે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે વિશાલા નગરીનો નાશ કરી ખેડવા લાયક જમીન જેવી બનાવી દીધી. આમ જે યુદ્ધપ્રસંગો જે તે વખતે થયા તેનું કંઈક વર્ણન કર્યું.
- હવે આપણે જુદાજુદા રાજાઓ લઈ તેની ઉપર જણાવ્યા કરતાં કંઈ વિશેષ માહિતી મળે તો જોઈએ :
મગધ દેશ – પ્રસેનજિતુ, શ્રેણિક, કુણિક અને ઉદાયી.
શ્રેણિક (બિમ્બિયાર) - આના પિતાનું નામ પ્રસેનજિત્ અને માતાનું નામ ધારિણી હતું. પ્રસેનજિતુ મગધ દેશનો રાજા હતો, અને તેનું મુખ્ય નગર કુશાગ્રપુર નામે હતું. અહીં વારંવાર અગ્નિનો ઉપદ્રવ થવા લાગ્યો તેથી રાજાએ આઘોષણા કરાવી કે “જેના ઘરમાં અગ્નિ લાગશે તેને નગર બહાર કાઢવામાં આવશે.” એક દિવસ રસોઇયાના પ્રમાદથી રાજાના ઘરમાંથી જ અગ્નિ નીકળી. રાજાએ પોતાના કુમારોને કહ્યું કે “જે વસ્તુ જે કુમાર લઈ જાય છે તેને સ્વાધીન છે.' શ્રેણિક કુમાર ભંભાનું વાદ્ય લઈ નીકળ્યો અને તેનું કારણ તેને પૂછતાં જણાવ્યું કે “આ ભંભાવાદ્ય રાજાઓનું પ્રથમ જયચિહ્ન છે, દિગ્વિજયમાં મોટું મંગળ છે.” આથી રાજાએ તેનું ભંભાસાર” એવું બીજું નામ પાડ્યું. હવે રાજાએ પોતાની આઘોષણા પ્રમાણે પોતે નગર છોડવું અને એક કોશ દૂર જઈ છાવણી નખાવીને ત્યાં રહ્યો; પછી લોકો ત્યાં જતાં પરસ્પર પૂછતા કે તમે ક્યાં જાઓ છો ?' ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતા કે “અમે રાજગૃહ (રાજાને ઘેર) જઈશું.” આ પરથી ત્યાં રાજગૃહ નામે નગર રાજાએ વસાવ્યું અને તેને ખાઈ, કિલ્લો, ચૈત્ય, મહેલો અને ચૌટાઓથી ઘણું રમણીય બનાવ્યું. રાજાએ શ્રેણિકને રાજયયોગ્ય ચતુર ગણેલ હતો તેથી તેને રાજ્ય આપવાનું બાકી રાખી બીજા કુમારોને જે કંઈ દેશ આપવાના યોગ્ય લાગ્યા તે આપી દીધા કે જેથી શ્રેણિક સંબંધે તેમને ખબર ન પડે, પણ શ્રેણિકને કંઈ ન મળ્યું તેથી તેને ખોટું લાગતાં તે ત્યાંથી ચાલ્યો ગયો. વેણા તટપુર જઈ ત્યાં એક શ્રેષ્ઠીની પુત્રી પરણ્યો. આથી અભયકુમાર નામનો પુત્ર ઔત્પાતિક બુદ્ધિવાળો અને પાછળથી શ્રેણિક રાજાના પાંચસો મંત્રીઓમાં પ્રધાન મંત્રી થયો હતો. શ્રેણિકને રાજાના મંદવાડ સમયે પાછો બોલાવ્યો ને તેને રાજ્ય આપ્યું. શ્રેણિક વૈશાલીના રાજા ચેટકની ચિલ્લણા નામની પુત્રીને ગાંધર્વ વિવાહથી પરણ્યો હતો અને તેથી તેને કુણિક, હલ્લ અને વિહલ્લ નામે ત્રણ પુત્રો અનુક્રમે થયા હતા. ધારણી નામની રાણીથી મેઘકુમાર નામે પુત્ર થયો હતો કે જેણે મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે સિવાય બીજી કુલપત્નીઓથી નંદિષેણ કે જેણે પણ વીર પાસે દીક્ષા લીધી હતી, તે અને તે સિવાય કાલ, મહાકાલ, ઈત્યાદિ બીજા દશ પુત્રો થયા હતા. શ્રેણિક મહાપ્રતાપી, શ્રદ્ધાવંત અને આદર્શ રાજા હતો; છેવટે કુણિકને રાજ્યયોગ્ય ગણી તેના માટે તે રાજ્ય રાખી બીજા કુમારોને જે આપવું હતું તે આપી દીધું, અને હવે કુણિકને રાજ્ય આપવાનું બાકી રહ્યું. પણ તે પહેલાં કુણિકે બીજા કુમારને ઉશ્કેરી શ્રેણિકને બાંધી કેદખાનામાં પૂર્યો અને સવાર-સાંજ સો-સો ચાબુક મારવા લાગ્યા. ખાનપાન પણ આપતો નહિ. કુણિકની માતા રાણી ચિલ્લણા કેદખાનામાં ગુપ્ત રીતે ખાનપાન આપી આવતી હતી. આ વખતે કુણિકને પદ્માવતી નામની રાણીથી ઉદાયી નામનો પુત્ર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org