Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૨૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
અનુગ્રહ કરવો, ૪. ઉત્તમ ધર્મ શીખવવો અને પ. શંકાનું નિવારણ કરી મનનું સમાધાન કરવું. પત્ની પ્રત્યે પતિના ધર્મ
૧. તેને માન આપવું, ૨. કોઈ રીતે તેનું અપમાન ન કરવું, ૩. અન્ય સ્ત્રી સાથે સંબંધ ન રાખવો (એક પત્નીવ્રત આદરવું), ૪. ઘરનો કારભાર તેણીને સોંપવો, અને ૫. તેને વસ્ત્ર વગેરેની ઊણપ પડવા ન દેવી. પતિ પ્રત્યે પત્નીના ધર્મ
૧. ઘરમાં સારી વ્યવસ્થા રાખવી, ૨. નોકરચાકરને પ્રેમથી સંભાળવાં, ૩. પતિવ્રતા થવું, ૪. પતિએ મેળવેલી સંપત્તિનું રક્ષણ કરવું (ઉડાઉ ન થવું), ૫. સર્વ ગૃહકાર્યમાં ઉદ્યોગી અને દક્ષ થવું. ચાકર પ્રત્યે શેઠના ધર્મ
૧. તેનું સામર્થ્ય જોઈ તેને કામ સોંપવું, ૨. તેને યોગ્ય પગાર આપવો, ૩. તે માંદો પડે તો તેની ચાકરી કરવી, ૪. વારંવાર તેને ઉત્તમ ભોજન આપવાં, ૫. ઉત્તમ કામ કરે તો તેને બક્ષિસ આપવી. શેઠ પ્રત્યે ચાકરના ધર્મ
૧. શેઠ ઊઠ્યા પહેલાં ઊઠવું, ૨. ધણી સૂઈ જાય પછી સૂવું, ૩. શેઠના માલની ચોરી કરવી નહિ, ૪. ઉત્તમ રીતે કામ કરવું અને ૫. સર્વત્ર શેઠની કીર્તિ ગાવી – પ્રસારવી.
આ વિહિતશીલ છે.
નિષિદ્ધશીલમાં પ્રથમારંભે ગૃહસ્થ અને ગૃહિણીએ નિત્ય પાળવાના ૫ નિયમ છે. (૧) પ્રાણઘાત ન કરવો (૨) અદત્તાદાન ન કરવું (૩) વ્યભિચાર ન કરવો (૪) ખોટું ન બોલવું (૫) દારૂ વગેરે માદક પદાર્થ સેવન ન કરવાં. આ સંબંધમાં બૌદ્ધ હમેશાં મંત્ર બોલે છે કે જેથી નિરંતર તેને યાદ રહે કે તેને અમુક નિયમો પાળવાના
બંને આઠમ, પૂર્ણિમા અને વદ ચૌદશ એ ચાર દિવસોને ‘ઉપોસથ” દિવસ કહે છે, અને તે દિવસે ગૃહસ્થ અને ગૃહિણી ધર્મચિંતનમાં જ ગાળે છે ત્યારે તે “ઉપાસક' અને “ઉપાસિકા' કહેવાય છે. અને ત્યારે તેઓને આઠ નિયમ જાળવવાના હોય છે કે જેનો નિષિદ્ધશીલમાં સમાવેશ થાય છે. (૧) પ્રાણઘાત (૨) સ્તય (૩) અબ્રહ્મચર્ય (૪) મૃષાવાદ (૫) સુરાદિ સેવનથી નિવૃત્તિ (૬) મધ્યાહ્ન પછી ન જમવું (૭) નૃત્ય, ગીતા વગેરે કામવિકારનું ઉદ્દીપન કરનારી બાબત જોવી નહિ અને માળાગંધાદિ (મોજશોખના) પદાર્થ વાપરવા નહિ. (૮) ઊંચી અને મોટી પથારી પર ન સૂવું. આ આઠમાં ઉપરોક્ત પાંચ નિયમમાંના ૧,૨,૪ અને પમો એ ચાર નિયમ બરાબર આવે છે. પણ તે પાંચ નિયમમાં ત્રીજો નિયમ વ્યભિચાર ન કરવો એમ છે જ્યારે આમાં ત્રીજા નિયમ પ્રમાણે ઉપોથને દિવસે બ્રહ્મચારી રહેવું જ જોઈએ એવી આજ્ઞા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org