Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
હોવો જોઈએ. જો કંઈ આશય રાખી સૃષ્ટિ રચે તો તે સર્વસંપૂર્ણ હોઈ ન શકે કારણકે આશયમાં અમુક જરૂરિયાત પૂરી પાડવાનું હોય છે. જો આશયરહિત સૃષ્ટિ રચતો હોય તો તે ગાંડો યા બાલક જેવો હોવો જોઈએ. આ ઉપરાંત જો ઈશ્વર જગત્કર્તા હોય તો લોકોએ તેને શા માટે માન ન આપવું જોઈએ, અને જ્યારે દુઃખમાં આવી પડે ત્યારે તેની સહાયની ભિક્ષા ન માંગવી જોઈએ ? અને શા માટે એક કરતાં વધારે દેવોનું પૂજન કરવું જોઈએ ? આ રીતે ઈશ્વરવાદ બુદ્ધિપૂર્વક જોતાં અસત્ય છે અને આ વિરોધી વાદ દૂર કરવો જોઈએ.’ (જુઓ અશ્વઘોષનું બુદ્ધચરિત્ર.)
આત્મવાદ
ઘણા મુખ્ય ધર્મો જેવા કે બ્રાહ્મણ, જૈન, ખ્રિસ્તી અને ઇસ્લામ આત્માના અસ્તિત્વમાં માન્યતા ધરાવે છે. જ્યારે બુદ્ધ એમ કહે છે કે આત્મા નિત્ય છે એ માન્યતા ભૂલભરેલી છે. તેવી માન્યતા ‘સત્કાયદૃષ્ટિ’ આર્યઅષ્ટાંગિક માર્ગમાં પ્રવેશ કરવા સાથે દૂર કરવાની છે; કારણકે સર્વ જાતના મિથ્યા સિદ્ધાંતો ‘અહંભાવમાંથી જ ઉદ્ભવે છે. બિમ્બિસાર રાજાને બુદ્ધે કહ્યું હતું કે “જે પોતાના આત્માનો સ્વભાવ જાણે છે અને પોતાની ઇંદ્રિયો શું કાર્ય કરે છે તે સમજે છે તે ‘હું’ની વિદ્યમાનતા સ્વીકારતો નથી. જગત્ ‘હું’નો ભાવ સ્વીકારે છે અને તેથી જ મિથ્યાજ્ઞાનમાં સપડાયેલું છે. કેટલાક કહે છે (શાશ્વતવાદી) કે આત્મા મરણ પછી પણ રહે છે એટલે નિત્ય છે, જ્યારે બીજા (ઉચ્છેદવાદી) કહે છે મરણ થયે નાશ પામે છે. આ બંને જબરા ભુલાવામાં પડેલા છે. કારણ કે જો ‘હું’ ઉચ્છેદશીલ હોય તો જે પરિણામ માટે લોકો પ્રયત્ન કરે છે તે પણ નાશ પામશે અને પછી નિર્વાણ કે મુક્તિનું મૂલ્ય નહિ રહે. જેમ બીજાઓ કહે છે તેમ જો ‘હું' નાશ ન પામતું હોય તો તે સર્વદા એક સરખું અને અપશ્ર્વિર્તનશીલ હોવું જોઈએ; અને તેમ હોય તો નૈતિક ઉદ્દેશો અને મોક્ષ અનાવશ્યક થશે કારણકે જે નિત્ય અને પરિવર્તનશીલ હોય તેને બદલવાથી કંઈ લાભ નથી. પરંતુ સર્વત્ર આનંદ અને શોકનાં ચિહ્નો અસ્તિત્વ ધરાવે છે તેથી અખંડ સ્થાયી એવો આત્મા છે એવું આપણે કેમ કહી શકીએ ?”
૩૩૮
-
જેવી રીતે ઘર એ તેના જુદાજુદા ભાગોનો સમૂહ છે તેવી રીતે જે કાર્ય કરતો દેહ જોવામાં આવે છે તે પણ ઇંદ્રિયો, વિચારો અને ઇચ્છાનો સમૂહ છે. બુદ્ધઘોષે પોતાના ‘વિસુદ્ધિમગ્ગ’ નામના ગ્રંથમાં લખેલું છે કે જે રીતે રથ એ ધરી, ચક્ર, આરા અને તેના બીજા ભાગોને અમુક રીતે ગોઠવેલા સમૂહ રૂપે છે, પણ જ્યારે તેનાં તે સર્વ અંગને એક પછી એક આપણે તપાસીએ છીએ ત્યારે નિશ્ચયાર્થમાં તે રથ નથી એવું માલૂમ પડે છે...તેવી જ રીતે બરાબર જે ચેતન ‘હું' છે તે પાંચ સ્કંધોનો સમૂહ છે, પણ જ્યારે આપણે તે સ્કંધને એક પછી એક તપાસીએ છીએ ત્યારે ચેતન એવું કંઈ માલૂમ પડતું નથી અને ‘હું છું’ ‘હું કરું છું' એ વાક્યો કહી શકાતાં નથી; બીજા શબ્દોમાં પારમાર્થિક દૃષ્ટિએ માત્ર ‘નામ’ અને ‘રૂપ’ છે. ગાડી ચાલે છે કે ઊભી રહે છે એવું કંઈ પણ હોતું નથી છતાં લોકો બોલે છે કે ‘ગાડી ચાલે છે' કારણકે જ્યારે હાંકનાર બળદને જોડી ગાડીને હાંકે ત્યારે જ ગાડી ચાલે. તો ચાલનાર બળદ છે છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org