Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ | હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ
૩૬૧
ધર્મનું એ જ શાસન છે – તેમાં એ નિયમ છે. તે સન્માર્ગ પ્રત્યે પ્રયાણ કરે છે તે સ્વર્ગસુખની ઇચ્છાથી નહિ પરંતુ દુઃખનો અંત લાવવાથી થતા આનંદને પ્રાપ્ત કરવા. તેનામાં જ્ઞાન કે પ્રજ્ઞા છે તેથી તે માનને લાયક છે એમ નહિ, પરંતુ તેનું જીવન સંતતુલ્ય અને પવિત્ર છે કે જે બીજાને દૃષ્ટાંતરૂપ થઈ પડે તેટલા માટે, તે પૂજ્ય છે.
બૌદ્ધ ધર્મ અને જ્ઞાતિ એકદા આનંદ નામનો શિષ્ય એક કૂવા પાસે થઈને જતો હતો તે વખતે કૂવામાંથી એક ચંડાલની કન્યા પાણી ખેંચતી હતી. તેણી પાસેથી આનંદે પાણી પીવા માગ્યું ત્યારે તેણીએ કહ્યું કે “હું અસ્પૃશ્ય જ્ઞાતિની છું તો મારી પાસેથી પાણી લેશો તો તમે અભડાશો.” આના ઉત્તરમાં આનંદે કહ્યું “બહેન ! હું તારી જ્ઞાતિ પાસેથી નહિ પણ તારી પાસેથી પીવાનું પાણી માગું છું. આથી તે ચાંડાલ કન્યાએ હર્ષિત થઈ આનંદને જલ આપ્યું. આનંદ ઉપકાર માની ચાલતો થયો, પરંતુ તે કન્યાએ જાણ્યું કે તે ભગવાનનો શિષ્ય હતો તેથી જ્યાં બુદ્ધ હતા ત્યાં ગઈ અને તેણીના હૃદયની વાત જાણી બુદ્ધે તેણીને સંઘમાં – પોતાની શિષ્યા તરીકે સ્વીકારી.
તેણીને ભિક્ષુણી તરીકે દાખલ કરવાથી શ્રાવસ્તી નગરીના રાજા પ્રસેનજિતુ અને બ્રાહ્મણો તથા ક્ષત્રિયો આને દૂષણ ગણી બુદ્ધને સમજાવવા આવ્યા, પરંતુ બુદ્ધ જ્ઞાતિભેદનો ભ્રમ એવું જણાવીને તોડી પાડ્યો કે રાખ અને સુવર્ણમાં ઘણો અંતર છે પરંતુ બ્રાહ્મણ અને ચંડાલમાં તેવો કંઈપણ ભેદ નથી. સૂકાં લાકડાંના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ કોઈ બ્રાહ્મણ ઉત્પન્ન થતો નથી, તેમ તે સ્વર્ગમાંથી ઊતરી કે પવનમાંથી આવીને અવતરતો નથી, તેમ પૃથ્વીને ફોડીને જન્મ પામતો નથી. જેવી રીતે એક ચાંડાલ પોતાની માતાના ઉદરમાંથી જન્મ પામે છે તેવી જ રીતે બ્રાહ્મણ સ્વમાતાના ઉદરમાંથી જન્મે છે. સર્વ મનુષ્યોને સરખાં અંગ અને ઉપાંગ છે. તેમાં કોઈપણ જાતની ભેદ નથી, તો પછી અમુક અમુક જાતનો અને બીજો બીજી જાતનો એવો ભેદ કેમ ગણી શકાય ? મનુષ્ય જાતની અસમાનતા હોવાની માન્યતા પ્રકૃતિથી – કુદરતથી વિરુદ્ધ છે.
न जच्चा बसलो होति न जच्चा होति बाह्मणो ।
कम्मना वसलो होति कम्मना होति बाह्मणो ।। જાતિથી કોઈ વૃષલ – ચંડાલ હોતો નથી તેમ જાતિથી બ્રાહ્મણ થતો નથી. કર્મથી ચંડાલ થાય છે અને કર્મથી બ્રાહ્મણ થાય છે.
હાલનો પ્રચલિત બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ માનનારા જેટલા લોક છે તેટલા કોઈપણ ધર્મના માનનારા નથી. ચીન, જાપાન, કોરિયા, મંચૂરિયા, મોંગોલિયા, સૈબીરિયા, નેપાલ, સિંહલ (સીલોન) [શ્રીલંકા)ના અધિકાંશ લોક બૌદ્ધ છે. તિબેટ, ભૂતાન, સિકિમ, રામપુર, બુસાયરના સર્વલોક બૌદ્ધ છે. બ્રહ્મદેશ, સીઆમ, અને અનામમાં અર્ધા લોક બૌદ્ધ છે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only