Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આત્મવાદ – આત્માનું સ્વરૂપ (સમ્યક્ત્વનાં ૬ સ્થાનક)
૧૪૩
હોય ? એમ વિચાર કરવાથી આત્માને જ કર્મનું કર્તાપણું ઠરે છે.
હવે અત્રે એક પ્રશ્ન થવા યોગ્ય છે. ‘જો કર્મનું કર્તાપણું આત્માને માનીએ તો તો આત્માનો તે ધર્મ ઠરે, અને જે જેનો ધર્મ હોય તે ક્યારે પણ ધર્મીથી વિચ્છેદ પામવા યોગ્ય નથી અર્થાતુ તેનાથી કેવળ ભિન્ન પડી શકવા યોગ્ય નથી; જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ તેમ.' આના જવાબમાં કર્મનું કર્તૃત્વ હોય તો તે કર્મ ટળે જ નહિ એથી કોઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી, કેમકે જે જે વસ્તુ ગ્રહણ કરી હોય તે છોડી શકાય એટલે ત્યાગી પણ શકાય; કેમકે ગ્રહણ કરેલી વસ્તુથી ગ્રહણ કરનારી વસ્તુનું કેવલ એકત્વ કેમ થાય ? તેથી જીવે ગ્રહણ કરેલાં એવાં જે દ્રવ્યકર્મ, તેનો જીવ ત્યાગ કરે તો થઈ શકવા યોગ્ય છે, કેમકે તે તેને સહકારી સ્વભાવે છે, સહજ સ્વભાવે નથી, અને તે કર્મ તે અનાદિ ભ્રમ છે અર્થાત્ તે કર્મનું કર્તાપણું અજ્ઞાનથી પ્રાપ્ત કર્યું છે તેથી પણ તે નિવૃત્ત થવા યોગ્ય છે. અજ્ઞાન કરીને પણ જો આત્માને કર્તાપણું ન હોય તો તો ઉપદેશાદિ શ્રવણ, વિચાર, જ્ઞાન આદિ કશું પણ સમજવાનું પ્રયોજન રહેતું નથી.
પરમાર્થથી આત્મા અસંગ છે, પણ તે જ્યારે આત્મસ્વરૂપનું ભાન થાય ત્યારે. તે સિવાય આત્મા કેવલ – એકાંતે અસંગ નથી; અસંગ હોત તો ક્યારે પણ કર્મનું કરવા પણું ન હોત અને તેમ થયે આત્માનું સ્વરૂપ મૂળથી જ પ્રાપ્ત થયું હોત. પણ તે તો થયું નથી અને તે સ્વરૂપની પ્રાપ્તિ એ હજુ લક્ષ્ય છે. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે.
- પરમાર્થે તો જીવ અક્રિય છે એમ વેદાંતાદિનું નિરૂપણ છે અને જિનપ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણું છે એમ નિરૂપણ કર્યું છે, છતાં આત્માને શુદ્ધાવસ્થામાં ઉપર પ્રમાણે કર્તા કહેવાથી સક્રિય થયો તેનું કેમ ? આના ઉત્તરમાં એ કે શુદ્ધાત્મા પરયોગનો – પરભાવનો – વિભાવનો ત્યાં કર્તા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે, પણ ચેતન્યાદિ સ્વભાવનો કર્તા છે – જો એમ કર્તા ન માનીએ તો પછી તેનું કંઈપણ સ્વરૂપ ન રહે. શુદ્ધાત્માને મન, વચન, કાયાના વ્યાપારરૂપ યોગક્રિયા નહિ હોવાથી તે અક્રિય છે, પણ સ્વાભાવિક ચેતન્યાદિ સ્વભાવરૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. ચૈતન્યાત્મપણું આત્માને સ્વાભાવિક હોવાથી તેમાં આત્માનું પરિણમવું તે એકાત્મપણે જ છે. અને તેથી પરમાર્થનયથી સ્વભાવે તો કર્તા કહેવાય. નિજ સ્વભાવમાં પરિણમવા રૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, કેવળ શુદ્ધ સ્વધર્મી હોવાથી એકાત્મપણે પરિણમે છે, તેથી સક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા અક્રિયતા નિરૂપણ કરી છે તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અકિયતા. કહેતાં કશો દોષ નથી.
આ રીતે સાંખ્ય કે જે આત્માનું અકર્તાપણું અને ઉપચારમાત્રથી – લક્ષણાવૃત્તિથી ભોક્તાપણું માને છે તેનો નિરાસ થયો.
સાંખ્ય એવું માને છે કે કોઈ આત્મા બંધાતો નથી, તેમ મૂકાતો પણ નથી અને સંસારમાં ભ્રમણ પણ કરતો નથી. જે વિવિધ પ્રકારના આશ્રયવાળી પ્રકૃતિ છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org