Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ષદ્રવ્ય
અતઃ દ્રવ્યનું પ્રત્યભિજ્ઞાન કરાવવા માટે કોઈ સ્વરૂપે તેની નિત્યતા, કોઈ સ્વરૂપે તેની ઉત્પત્તિ અને કોઈ સ્વરૂપે તેનો નાશ એક જ કાલમાં ત્રણ અવસ્થાઓ દ્રવ્ય ધારણ કર્યા કરે છે એ સ્વીકારવું જોઈશે : જેમકે સામાન્ય સોનું, તૂટેલું ફૂટેલું સોનું અને સોનાનું પાત્ર એ ત્રણ અવસ્થાઓમાં તેના ઘરાકને સામાન્ય, વિષાદ કે હર્ષરૂપ પરિણામો યથાક્રમે સાથે સાથે એક સોનાનું પાત્ર ફૂટી જવાની સાથે થાય છે તેવી જ રીતે. પરંતુ વસ્તુ જે સ્વરૂપે ઉત્પન્ન થાય છે તે સ્વરૂપે તેનો નાશ થતો નથી, તેમ નિત્ય રહેતું નથી, અને જે સ્વરૂપે તેનો વ્યય થાય છે તે સ્વરૂપે તેનાં ઉત્પાદ કે ધ્રૌવ્ય નથી. આ કારણે કોઈ વસ્તુનું ધ્રૌવ્ય - નિત્યત્વ સદૈવ રહે છે. તે નિત્ય હોવાનું કારણ ગુણ છે અને તે અનિત્ય છે તેનું કારણ તેની અવસ્થાઓમાં ઉત્પાદ અને વ્યય ક્ષણ પ્રતિક્ષણ થયાં કરે છે તે છે અને તેનું નામ ‘પર્યાય’ છે. આ રીતે વસ્તુમાં ગુણ અને
-
પર્યાય બંને હોય છે.
૧૪૯
જેવી રીતે સમુદ્રની લહેર સમુદ્રના પાણીથી જુદો પદાર્થ નથી, બલ્કે તે જ જળની એક જુદી વ્યવસ્થારૂપ પરિણમન છે અને તે લહેરને તે સમુદ્રરૂપ યા તે સમુદ્રના જલરૂપ જ ગણવામાં આવે છે, તેવી રીતે પર્યાય ગુણથી ભિન્ન કોઈ જુદો પદાર્થ નથી. પણ ગુણની જ જુદી અવસ્થારૂપ પરિણમન છે તેથી પર્યાય પણ ગુણોમાં ગર્ભિત છે.
આમ ઉપરનાં ત્રણે લક્ષણ અર્થથી એક જ ઘટી ગયાં. દ્રવ્યમાં અનેક ગુણો છે. જેટલા શબ્દ છે તે ધાતુઓથી બન્યા છે અને ક્રિયાવશ્યક શબ્દને ધાતુ કહે છે; ક્રિયા ગુણની હોય છે તેથી પ્રત્યેક શબ્દ ગુણવાચક છે. ગુણોથી ભિન્ન દ્રવ્ય નથી. એક દ્રવ્યના અનેક ગુણોમાંથી કેટલાક ગુણો એવા હોય છે કે જે સમસ્ત દ્રવ્યોમાં હોય છે. આને ‘સામાન્ય ગુણ’ કહેવામાં આવે છે; અને કેટલાક ગુણ એવા હોય છે કે જે સમસ્ત દ્રવ્યોમાં નથી હોતા. તેને ‘વિશેષ ગુણ’ કહેવામાં આવે છે.
સામાન્ય ગુણ જોકે અનેક છે તથાપિ તેમાં પાંચ ગુણ પ્રધાન છે ઃ નામે (૧) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યનો સદાકાલ સદ્ભાવ રહે તેને ‘અસ્તિત્વ’ ગુણ કહે છે. (૨) જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય અર્થાત્ તેના સમસ્ત ગુણ પ્રતિક્ષણે એક અવસ્થાને છોડી બીજી અવસ્થા પામે છે તેને ‘દ્રવ્યત્વ’ ગુણ કહે છે. (૩) જે શક્તિના નિમિત્તથી દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ હોય તે ‘વસ્તુત્વ’. (૪) જે શક્તિનાં નિમિત્તથી દ્રવ્ય ગમે તેના જ્ઞાનનો વિષય થાય છે તે ‘પ્રમેયત્વ’. (૫) જે શક્તિના નિમિત્તથી વસ્તુનું વસ્તુત્વ અવસ્થિત રહે અર્થાત્ દ્રવ્યથી દ્રવ્યાન્તરરૂપ આદિ પરિણમન થાય નહિ અને જલના મોજા રૂપ પોતપોતામાં પરિણમે તેને ‘અગુરુલઘુત્વ' ગુણ કહે છે. જે સમય દ્રવ્યનું નિરૂપણ અસ્તિત્વ ગુણની મુખ્યતાથી કરાય છે ત્યારે તેને ‘સત્' કહેવામાં આવે છે, વસ્તુત્વ ગુણની મુખ્યતાથી તેને ‘વસ્તુ’, દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી ‘દ્રવ્ય’, પ્રમેયત્વ ગુણની પ્રમેયતાથી ‘પ્રમેય’ કહેવામાં આવે છે. એ પ્રમાણે અગુરુલઘુત્વ ગુણનું સમજી લેવું.
વિશેષ ગુણથી એક દ્રવ્યનું બીજા દ્રવ્યથી ભિન્નત્વ વિશિષ્ટત્વ સમજાય છે. તેથી દ્રવ્યોની પિછાન થાય છે. તે લક્ષણ દ્રવ્યના ભેદ કરતાં કહેવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org