Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૯૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છે, અને કોમલતા તે છોડવાનું હથિયાર છે. શક્તિ તે મારા બળદ છે. આથી હું એવા માર્ગ પર જાઉં છું કે જ્યાં બિલકુલ દુઃખ નથી.' આથી આ બ્રાહ્મણ – બૌદ્ધ ધર્માનુયાયી થયો.
બારમું ચાતુર્માસ વેજા વરંતિ – વૈરંત્ય) ગામમાં અને તેરમું શ્રાવસ્તી અને ચાલિકામાં ગાળ્યું. ૧૪મું જેતવનમાં ગાળ્યું કે જ્યાં રાહુલે ઉપસંપદા દીક્ષા લીધી. તે જ વર્ષમાં કપિલવસ્તુ ગયા. ત્યાં તેમના સસરા સુપ્રતિબદ્ધ દારૂથી મત્ત બની બુદ્ધના માર્ગમાં આડા ઊભી ગાળો આપી. બુદ્ધ આનંદને આગાહી સંભળાવી કે આજથી બારમે દિવસે પૃથ્વીમાં તે ગળી જશે. ને બરાબર તે જ દિવસે પૃથ્વી ફાટી ને તે અંદર જઈ મરણ પામ્યો.
કપિલવસ્તુથી જેતવન અને ત્યાંથી આલાવી તરફ આવતાં બાલકભક્ષક યક્ષને ધર્મ પમાડ્યો. યક્ષે કહ્યું, હું કેટલાક પ્રશ્નો પૂછીશ અને તેનો ઉત્તર નહિ આપવામાં આવે તો હૃદય ચીરી ગંગાનદીમાં તને ફેંદી દઈશ.” યક્ષ પ્રશ્ન પૂછતો ગયો અને બુદ્ધ યથાર્થ ઉત્તર આપ્યા. તેથી યક્ષ તેનો શિષ્ય થયો અને ત્યાં એક વિહાર બાંધી આપ્યો.
સત્તરમું ચાતુર્માસ રાજગૃહ, ૧૮મું ચાલિકા, ૧૯મું વેણુવનમાં, ૨૦મું જેતવનમાં ગાળ્યું. આનંદ બુદ્ધનો ઉપસ્થાપક (હમેશાં સાથે રહેનાર તરીકે) નિમાયો. અંગુલિમાલ નામનો જબરો લૂંટારો બુદ્ધના ઉપદેશથી ધર્મમાં આવ્યો અને અર્વત્ થયો. આ વખતે કેટલાક વિરોધક તીર્થિકોએ પ્રપંચ કરી કેટલાક પાસે સુંદરી નામની ભિક્ષુણીનું ખૂન કરાવી તેનું મૃત શરીર જેતવનની ઝાડીમાં રખાવ્યું. અને લોકમાં તે મડદું માલુમ પડતાં બૂમ ઉડાવી કે ગૌતમે તેણીનું ખૂન કર્યું છે. પણ ખરી વાત પ્રગટ થઈ ગઈ અને તીર્થિકો તરફ તિરસ્કાર છૂટ્યો.
આ વખતે અનાથપિંડિકે પોતાની પુત્રીને અંગદેશમાંના પોતાના એક મિત્રના પુત્ર સાથે પરણાવી હતી. તે મિત્ર નગ્ન સંન્યાસીના મતવાળો હતો, તેથી તેણે પુત્રવધૂ ઘેર આવતાં નગ્ન સાધુને નમન કરવા કહ્યું, પણ તેણીએ તેમ કરવા ના પાડી. આમ કરીને તેણીએ સાસુ અને બીજી સ્ત્રીઓમાં બુદ્ધનાં દર્શન કરવા ઇચ્છા જગાવી. બુદ્ધ દિવ્યચક્ષુથી અંગદેશમાંનું આ દશ્ય જોયું કે તરત જ ત્યાં જઈ સર્વને પ્રસન્ન કરી પોતાના ધર્મમાં લીધા. અંગમાં અનુરુદ્ધ નામના શિષ્યને ધર્મપ્રચારાર્થે મૂકી બુદ્ધ શ્રાવસ્તીમાં આવ્યા.
આ પછીનાં ૨૩ વર્ષનો બુદ્ધ સંબંધે ઇતિહાસ પૂરો મળતો નથી. છૂટાછવાયા પ્રસંગો મળી આવે છે.
એક અદ્ભુત બનાવોનું પ્રકરણ અહીં આવે છે. બુદ્ધની ઉંમર ૩૨ વર્ષની થઈ ત્યારે બિમ્બિસાર રાજાનું મૃત્યુ થયું હતું અને પિતાવધ કરનાર તેનો પુત્ર અજાતશત્રુ ગાદી પર આવ્યો હતો.
બુદ્ધની કીર્તિ સહન ન કરવાથી તેના શિષ્ય દેવદત્તમાં ઈષ્યની અગ્નિ જ્વલિત થઈ હતી. પોતાની સિદ્ધિથી દેવદત્તે રાજપુત્ર અજાતશત્રુની કૃપા મેળવી હતી. અને તેથી સંઘનો નાયક થવાની તેણે મહત્ત્વાકાંક્ષા રાખી હતી. એકદા બુદ્ધ રાજગૃહમાં વેણુવન વિહારમાં રહેતા હતા ત્યારે દેવદત્તે જણાવ્યું કે બુદ્ધ વૃદ્ધ થયેલ છે તેથી સંઘનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org