Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આવતાં તે નવીન સ્થિતિ પ્રકટાકારે જન્મે છે (જાતિ). તે જન્મની શરૂઆત થઈ તો તેનો અંત પણ હોવો જોઈએ તેથી તે અંત (મૃત્યુ) બધી જાતનાં દુઃખોથી આવે છે.
આ કાર્યકારણપરંપરા બીજી ઘણી રીતે કેટલાક બૌદ્ધ સમજાવે છે. આ કાર્મિક વિદ્યા છે. કેટલાક એમ સમજાવે છે કે અસતા જ્ઞાનથી – અવિઘાથી માયિક સંસ્કારો, તેમાંથી સામાન્ય વિચારો, તેમાંથી વિશેષ વિચારો, તેમાંથી છ ઈદ્રિયસ્થાનો – ષડાયતન, તેમાંથી સ્પર્શ, તેમાંથી નિશ્ચિત વેદના, તેમાંથી તૃષ્ણા, તેમાંથી આરંભિક જન્મ, તેમાંથી શરીર સત્તા, તેમાંથી સજીવ વસ્તુમાં સામાન્ય જાતિ અને વિશેષ જાતિના સર્વ ભેદો, તેમાંથી જરા – સડવું અને મરણ પામવું ઉત્પન્ન થાય છે. બીજી રીતે આ પરંપરા મનુષ્યજીવનનો ઇતિહાસ રજૂ કરે છે અને તેનાં ૧૨ પ્રકરણો છે. ગર્ભથી અગર ગર્ભ પહેલાંથી શરૂ થઈને ઠેઠ ક્ષીણતા ને નાશ સુધી તે જાય છે. આ સર્વનું મૂળ અવિદ્યા એટલે ક્ષણિક – અનિત્ય વસ્તુને સ્થાયિ – નિત્ય વસ્તુ માનવાની ભ્રાંતિ છે. તે ભ્રાંતિમાંથી સંસ્કારો સ્નેહ, ક્ષણિક સ્વભાવ જેવા કે લોભ, દ્વેષ અને મોહ જન્મે છે; તેમાંથી વિજ્ઞાનગર્ભની અંતર્ગત જાગૃતિ આવે છે, તેમાંથી નામરૂપ એટલે નામ – પૃથ્વી અને બીજાં ત્રણ મૂળતત્ત્વો – ધાતુથી અને રૂપથી બનેલું પ્રાથમિક શરીર બને છે, તેમાંથી પડાયતન – છ ઇંદ્રિયો થાય છે, જ્યારે નામરૂપની સાથે ઇન્દ્રિયનો સંબંધ થાય છે ત્યારે તે સ્પર્શ કહેવાય છે, ત્યારપછી વેદના – લાગણી થતાં તૃષ્ણા (સુખકર વેદનાને લંબાવવા ને દુઃખમય વેદનાને દૂર કરવાની ઇચ્છા) ઉત્પન્ન થાય છે. ત્યારપછી ઉપાદાન - પ્રયત્ન, ક્રિયાની શરૂઆત થાય છે; ત્યારપછી ભવ (પાપ-પુણ્યની સ્થિતિ) થાય છે. તેથી જાતિ – જન્મ એટલે પાંચ સ્કંધનો સમૂહ થાય છે. જન્મ થયા પછી જરા મરણ વગેરે થાય છે. આમ અવિદ્યામાંથી સર્વ પાપ, જન્મમરણ કેવી રીતે એટલે દુ:કેમ ઉત્પન્ન થાય છે એ જણાવવાનો (બીજું આર્યસત્ય જણાવવાનો) આ પ્રતીત્ય સમુત્પાદના આખા કમનો હેતુ છે. અને તે અવિદ્યા દૂર કરવાથી તેમાંથી ઉદ્ભવતી બધી પરંપરા નાશ પામે છે એટલે દુઃખનો નાશ પામે છે એ આ કાર્યકારણપરંપરાથી પ્રતીત થાય છે. તેથી ત્રીજા આર્યસત્ય (દુઃખનિરોધ)નું પ્રતિપાદન થાય છે.
[આ પ્રતીત્ય સમુત્પાદ કે દ્વાદશ નિદાનોની સાંકળના ૧૨ મણકા, પરંપરાગત સમજૂતી પ્રમાણે, ત્રણ જન્મ સાથે સંબંધ ધરાવે છે. અવિદ્યા અને સંસ્કાર એ બે ગત જન્મના છે, અને ત્રીજા વિજ્ઞાન સાથે નવો જન્મ થાય છે. (નવા જન્મની શરૂઆત ગર્ભાધાનથી જ કહેવાય); વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન અને ભવનો સંબંધ વર્તમાન જીવન સાથે છે, જ્યારે જાતિ અને જરા -મરણનો સંબંધ ભાવી જન્મ સાથે છે. આ હીનયાન મત પ્રમાણે છે.
જ્યારે મહાયાન મત પ્રમાણે માત્ર બે જન્મ સાથે જ આ મણકા કે નિદાનોની સંબંધ છે. ૧–૧૦નો સંબંધ એક જન્મ સાથે અને ૧૧-૧૨નો બીજા જન્મ સાથે. જો ૧-૧૦નો સંબંધ અતીત જન્મ સાથે હોય તો ૧૧-૧૨નો આ જન્મ સાથે, અને ૧–૧૦નો સંબંધ આ જન્મ સાથે હોય તો ૧૧-૧૨નો ભવિષ્ય જીવન સાથે. |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org