Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
છે. તે વખતે અવિધાદિ પાંચ ક્લેશ, તથા સારાનઠારા કમોશય સમૂળ નષ્ટ પામે છે. આ પછી નિલેપ પુરુષનું પૂર્ણ મુક્ત રૂપે કરીને અવસ્થાને તે તેનું કૈવલ્ય છે. આ દર્શન સેશ્વર સાંખ્યમત ગણાય છે, છતાં તેમાં પણ ઈશ્વરનું કાર્ય લગભગ નહિવત્ છે. આમાં યોગનાં ૮ અંગ બતાવ્યાં છે : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ. પુરુષને નિઃસંગ માનવામાં આવે છે. પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા, અને સ્મૃતિરૂપ વૃત્તિઓ કે જેનું બીજું નામ અંતઃકરણ આપવામાં આવ્યું છે તેને ચિત્તના ધર્મ તરીકે સ્વીકારે છે. તેનો (ચિત્તવૃત્તિનો) નિરોધ કરવો તે યોગ છે. પુરુષનું નિર્મળ સત્ત્વ સદા સ્થિત રહે છે. જે-જે પદાર્થો ઉપર તે અનુરક્ત થાય છે તે તે દશ્ય પદાર્થની તેના ઉપર છાયા પડે છે, છતાં સ્વતઃ તે નિઃસંગ રહે છે – મતલબ કે તે અપરિણામી છે જ્યારે ચિતુશક્તિ અચિત્ કે ચિત્તશક્તિ) પરિણામી છે. ચિત્તની અસ્થિરતા સ્વાભાવિક હોય છે અથવા વ્યાધિ આદિ જન્ય હોય છે, તે ક્ષિપ્તાવસ્થા ત્યાજ્ય ગણેલ છે; એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થા ઉપાદેય ગણેલી છે. એકાગ્ર અવસ્થામાં એક વસ્તુમાં એકતાન થાય છે અને જે અવસ્થામાં સર્વવૃત્તિઓનો નિરોધ થઈ સંસ્કારશેષ રહે છે તેને નિરુદ્ધાવસ્થા કહેવામાં આવે છે. સમાધિના બે પ્રકાર છે : સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. એકાગ્ર ચિત્તમાં બાહ્ય વિષયવાળી પ્રમાણાદિ વૃત્તિઓના નિરોધને પ્રથમ સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. એ સંપ્રજ્ઞાત સમાધિના વળી સવિચાર, અવિચાર, સાનંદ અને સાસ્મિત એવા ૪ પ્રકાર છે. ભાવ્ય પદાર્થમાં ચિત્તનું ફરીફરીને નિવેશન કરવું અને અન્ય સર્વનો પરિહાર કરવો એનું નામ ભાવના અથવા સમાધિ છે. સર્વ વૃત્તિઓના નિરોધને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. ક્લેશ, કર્મવિપાક, અને આશયનો જેમાં અટકાવ થાય એવા ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવામાં આવે છે. ક્લેશ પાંચ પ્રકારના છે : ૧. અનિત્ય, અશુચિ, દુઃખ અને અનાત્મમાં અનુક્રમે નિયત્વ, શુચિત્વ, સુખ અને આત્મત્વની પ્રતીતિ કરવી એ પ્રથમ અવિદ્યા ક્લેશ છે, ૨. દકુ અને દર્શનશક્તિના એકાત્મત્વનું અભિમાન તે અસ્મિતા, ૩. સુખને જાણનારની સુખના સ્મરણપૂર્વક સુખનાં સાધનોમાં તૃષ્ણાપૂર્વક ઇચ્છા તે રાગક્લેશ, ૪. દુઃખને જાણનારની દુઃખના સ્મરણપૂર્વક દુઃખનાં સાધનોમાં નિંદાબુદ્ધિ તે દ્વેષક્લેશ, અને ૫. શરીર અને વિષયોનો મને વિયોગ ન થાય તો સારું એ પ્રકારનો નિમિત્તવગર પ્રવર્તનારો ભાયકલેશ. આ પ પ્રકારના ક્લેશ સંસારમાં પ્રવૃત્તિ કરાવે છે. અને સાંસારિક દુઃખના હેતુ થઈને પુરુષને પીડે છે. વૃત્તિનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. એનાં સાધનોમાં પ્રથમ ક્રિયાયોગની જરૂર યોગદર્શન બતાવે છે. તપ, સ્વાધ્યાય, અને ઈશ્વરપ્રણિધાનને ક્રિયાયોગ કહેવામાં આવે છે. ફળની ઇચ્છા રાખ્યા વગર આ ક્રિયાયોગ કરવાની આજ્ઞા છે. પછી યોગનાં ઉપર્યુક્ત ૮ અંગ વર્ણવે છે. તેમાંનાં યમનિયમાદિ પ્રથમ પાંચ અંગ મધ્યમ અધિકારી માટે છે. એ આઠે અંગના યોગનું આદરથી નિરંતર અને દીર્ઘકાળ સુધી અનુષ્ઠાન કરવાથી સમાધિ વિરોધી ક્લેશનો ક્ષય થતાં અભ્યાસ અને વૈરાગ્યે કરી મધુમતી આદિ સમાધિની પ્રાપ્તિ થાય છે. – એ મધુમતી સમાધિ એ ઋતંભરા પ્રજ્ઞાની સિદ્ધિ છે. આવી સિદ્ધિઓથી અમુક સત્ય જ્ઞાનાદિ પ્રાપ્ત થાય છે. એના પ્રત્યેક બિંદુમાં રસ હોય છે તેથી તેને મધુપ્રતીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org