________________
ર૬ર
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ગ્રંથોમાં જૈન એ બુદ્ધ ધર્મની શાખા છે એવા ભાવનું ક્યાંય પણ કથન જણાતું નથી. ઊલટું બંને એકબીજાથી તદ્દન ભિન્ન જ છે એમ સ્થળે સ્થળે કહ્યું છે, અને ઉભયનું ખંડન કરવાની કોશિશ પણ નિરાળી જ કરી છે. જૈન બૌદ્ધની શાખા હોત તો તેમ માની લઈ એકલા જૈનનું અથવા એકલા બૌદ્ધનું ખંડન કરવાના પ્રયત્નથી જ વેદાંત સંપ્રદાયવાળાઓ અટક્યા હોત.
જે કાળ જૈન અને વૈદિક સંપ્રદાય વચ્ચે અત્યંત કસાકસી ચાલતી હતી તે કાળે પણ જૈનનું ખંડન કરવાના વેદાંતીઓએ કરેલા અનેક પ્રયત્ન અને વાદવિવાદમાં તે બુદ્ધની શાખા છે એવું જણાવવામાં આવ્યું નથી. જો જેનને તેમ માનતા હોત તો તે વાદના પુરાવા તરીકે રજૂ થયું હોત. આ પરથી સ્પષ્ટ છે કે જૈન એ બૌદ્ધ ધર્મની શાખા હોવાનું ધતિંગ તો પશ્ચિમ તરફના વિદ્વાનોએ જ ઉઠાવ્યું છે, અને તે વિદ્વાનોએ પોતાના બનાવેલા હિંદના ઇતિહાસમાં તે મૂકી દઈ હિંદવાસીઓમાં અપૂર્વ – કદી પણ ઉત્પન્ન ન થયેલો એવો ભ્રમ બેસાડ્યો હતો. (જુઓ – મૂળ હંટરકૃત હિંદનો ઇતિહાસ - કે જે પહેલાં ગુજરાતી નિશાળોમાં ચાલતો હતો.)
- જૈન એ વેદિક ધર્મની શાખા છે ? (જૈનની પ્રાચીનતા).
આ પ્રશ્રની મીમાંસા કરીએ. પ્રોફેસર વેબર, બાર્થ, લેસન વગેરે પશ્ચિમના વિદ્વાનો જૈનને બૌદ્ધ ધર્મની શાખા માનવામાં ઠગાયા હતા તેમ બુલ્ડર પણ જૈન ધર્મને વેદિક ધર્મની શાખા અગર તે ધર્મમાંથી અમુક ગ્રહણ કરી રચાયેલ છે એમ માને છે, અને તેમ માનવામાં આધાર તરીકે ઉભય ધર્મોની પ્રક્રિયાના સમાનપણાને લે છે, પરંતુ બંનેમાં કેટલાક અંશો સમાન હોય તેટલા જ ઉપરથી જેન વેદધર્મની શાખા છે એમ માની લેવું એ યોગ્ય નથી. જૈનનું અસ્તિત્વ ઘણું પ્રાચીન છે, તેના કેટલાએક આધારો પણ આપી શકાય છે.
(૧) રામાયણ, મહાભારત અને પુરાણાદિકમાં જૈન દર્શન સંબંધી અનેક સ્થળે નિર્દેશ થયો જણાય છે. મહાભારતના આદિ પર્વના ત્રીજા અધ્યાયના ર૬-૨૭ શ્લોકમાં જૈન સાધુ સંબંધી વર્ણન આવે છે; વળી શાંતિપર્વમાં મોક્ષધર્મ અધ્યાય ૨૩૯ના છઠા શ્લોકમાં જૈનોના પ્રખ્યાત સપ્તભંગી ન્યાય સંબંધી નિર્દેશ છે.
(૨) પાણિનિ નામના પ્રખ્યાત વૈયાકરણી કે જે ઈ.સ.પૂર્વે લગભગ બે હજાર વર્ષે થયાનું બહુધા સ્વીકારાય છે તેમણે પોતાની અષ્ટાધ્યાયીમાં જૈન વૈયાકરણી શાકટાયનને આધારરૂપે સ્વીકારેલ છે.
તે જ શાકટાયનનું નામ ઋગ્વદની પ્રાતિશાખ્યોમાં, શુક્લ યજુર્વેદમાં અને વાસ્કના નિરુક્તમાં (કે જે પ્રો. મેકડોનલના કહેવા પ્રમાણે પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યના કાલનું છે) જોવામાં આવે છે.
પાણિનિનો સમય ઈ.સ.પૂર્વે છઠી કે સાતમી સદી (કે તેની પહેલાં પણ હોઈ શકે) માનવામાં આવે છે. તેમણે તેમની પહેલાંના વ્યાકરણ અને પ્રાતિશાખ્યોના નિષ્ણાત વિદ્વાનોનાં નામોનો ઉલ્લેખ કર્યો છે – આપિશવિ, શાકટાયન, ગાર્ગ્યુ, શાકલ્ય, કાશ્યપ, ભારદ્વાજ, ગાલવ, ચાક્રવર્મણ, સેનક અને ફોટાયન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org