Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
- નરકાદિ તે કર્મ ભોગવવાનાં સ્થાનકો છે.
હવે કોઈ એમ શંકા કરે કે ઈશ્વર જો કર્મફળદાતા ન હોય અથવા જગકર્તા ન ગણીએ, તો કર્મ ભોગવવાનાં વિશેષ સ્થાનકો એટલે નરકાદિ ગતિ આદિ સ્થાન
ક્યાંથી હોય, કારણકે તેમાં તો ઈશ્વરના કર્તૃત્વની જરૂર છે.' તો આ શંકા પણ કરવા યોગ્ય નથી, કેમકે મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે અને સ્થાનવિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ એ આદિ ભેદ છે. જીવસમૂહનાં – કર્મદ્રવ્યનાં પણ – તે પરિણામવિશેષ છે, એટલે તે તે ગતિઓ જીવના કર્મવિશેષ પરિણામોદિ સંભવે છે. અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પગલસામર્થ્ય – કર્મસામર્થ્ય – એના સંયોગવિશેષથી લોક પરિણમે છે. ૫. આત્માનો મોક્ષ છે.
ઉપર કહી ગયા કે આત્મા કર્તાભોક્તા છે. હવે તેમ છતાં કોઈ કહે કે તેનો મોક્ષ થવા યોગ્ય નથી કેમકે અનંતકાળ થયો તો પણ કર્મ કરવા રૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. શુભ કર્મ કરે તો દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે, પણ કમરહિત કોઈ સ્થળે આત્મા હોય નહિ.
આ શંકાના ઉત્તરમાં જણાવવાનું કે જેમ શુભાશુભ કર્મ કરવાથી તેનાં ફળ ભોગવાય છે તેમ નહિ કરવાથી અથવા તો તે કર્મની નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે એટલે શુભાશુભ કર્મ જેમ અફળ જતાં નથી તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી. તે નિવૃત્તિ એ જ મોક્ષ.
કર્મસંયોગથી અનંતકાળ વીત્યો તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લઈને, પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય અને તેથી જીવનું શુદ્ધ સ્વરૂપ – મોક્ષસ્વભાવ પ્રગટ થાય.
જીવને દેહાદિસંયોગનો અનુક્રમે વિયોગ તો થયાં કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે તેનો વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. ૬. મોક્ષનો ઉપાય છે.
મોક્ષપદ સ્વીકારવા છતાં કોઈ એમ કહે કે “તે પ્રાપ્ત કરવાના સંપૂર્ણ ઉપાય. લાગતા નથી, કારણ કે અનંત કાળનાં કર્મો તે મનુષ્યના અલ્પાયુષી દેહમાં કેમ છેદી શકાય ? વળી તેના ઉપાયો જુદાંજુદાં દર્શનો અને મતો અનેક અનેક પ્રકારે કહે છે તો તેના સત્યાસત્યનો નિર્ણય થઈ શકવો સંભવિત નથી. આ કારણથી ઉપર્યુક્ત પાંચ પદોની સિદ્ધિ કરવામાં આવી તે પણ જ્યારે મોક્ષનો ઉપાય ન હોય તો નિરર્થક છે.”
આનું સમાધાન આ પ્રમાણે જૈન તત્ત્વજ્ઞાન આપે છે. કર્મભાવ તે અજ્ઞાન છે. મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાન અંધકારના ૧. સરખાવો ગીતાનું વાક્ય “નોવોડાં કર્મવંધનઃ” તેમજ બૌદ્ધ પણ જણાવે છે કે “મૈને
लोकवैचित्र्यं'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org