Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
(static energy) સ્થિરપણે માત્ર ફળના સમયની રાહ જોતી હોય છે.
વેદાંતમાં કર્મ સંચિત, સંચીયમાન (કે ક્રિયમાણ) અને પ્રારબ્ધ માનેલાં છે. સંચિત કર્મ એટલે ગત જન્મોમાં ભેગાં કરેલાં કર્મ પણ જેમણે હજુ ફળ આપવાની શરૂઆત નથી કરી પણ એમ જ પડ્યાં રહ્યાં છે. પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મોએ ફળ આપવાની શરૂઆત કરી છે અને જેમને લીધે આ વર્તમાન જન્મ અને તેની પરિસ્થિતિ શક્ય બન્યાં છે તે. સંચીયમાન કે ક્રિયમાણ કર્મ એટલે આ જન્મમાં જે નવાં કર્મ એકઠાં કરવામાં આવી રહ્યાં છે તે. સમ્યજ્ઞાન થતાં સંચિત કર્મ બળી જાય છે અર્થાત્ તેમનામાં ફળ આપવાની શક્તિ રહેતી નથી. સમ્યજ્ઞાન પછી અહંતા-મમતા કે કર્તૃત્વનો ખ્યાલ રહેતો નથી તેથી જરૂરી ક્રિયાઓ કરવા છતાં કર્મબંધન થતું નથી અને ક્રિયમાણ કર્મ જેવું રહેતું નથી. પરંતુ પ્રારબ્ધકર્મોએ ફળ આપવાની શરૂઆત કરી જ દીધી છે તેથી તેમનો ક્ષય તો ભોગથી જ થાય અને માટે જ્ઞાન થયા પછી પણ ઐહિક જીવન કેટલોક વખત ચાલુ રહે છે. ]
વેદાન્ત કર્મની આ અવસ્થાને ‘પ્રારબ્ધ’ કહે છે, જ્યારે જૈન તે જ અવસ્થાને ‘સત્તાપણે’ કહે છે. ધનુષ્ય પર ચઢાવેલું તીર છોડવામાં આવ્યું નથી ત્યાં સુધી તીરમાં જે સત્તા રહેલી છે તેને Static energy – સ્થિર વીર્યની સંજ્ઞા અપાય છે, અર્થાત્ ત્યાં શક્તિ તો છે પણ તે હજી ‘ઉદય’ રૂપ.– વેદાંત પરિભાષામાં ‘ક્રિયમાણ’ રૂપ થઈ નથી, અને જ્યાં સુધી તે શક્તિ ફલાભિમુખ થઈ નથી ત્યાં સુધી તે શક્તિ ‘સત્તાપણે’ રહેલી છે. તેથી તે શક્તિ ફેરફારને પાત્ર તે અવસ્થામાં હોય છે. કુંભારે ચાક પર ચડાવેલા માટીના પિંડને કેવો આકાર આપવો, તેનામાં કેવો ફેરફાર કરવો એ કુંભારના પોતાના હાથમાં છે તેમ કર્મની અનુદય સ્થિતિ – સત્તા અવસ્થામાં તેનું પરિવર્તન કે પ્રમાણમાં ન્યૂનાધિક કરવાનું સ્વાતંત્ર્ય આત્માએ ગુમાવેલું હોતું નથી. પરંતુ કુંભાર એક આકાર બનાવી તેને અગ્નિમાં પકાવ્યા પછી તેમાં ફેરફાર કરી શકતો નથી તેમ આત્મા પણ કર્મના ઉદયાવસ્થાના સમય પછી તેમાં કશો પણ ફેરફાર કરી શકતો નથી . કર્મની રેખ ૫૨ મેખ મારવાનું આત્માનું બળ માત્ર કર્મની ‘સત્તા’ અવસ્થામાં જ હોય છે. તે અવસ્થામાં શુભ અશુભ કર્મની સ્થિતિ કે અનુભાગ અલ્પ હોય તો તેનું ‘ઉત્કર્ષણ’ કરી તેમાં વૃદ્ધિ કરી શકે છે, તે જ પ્રકારે બહુત્વનું અલ્પત્વ કરી શકે છે. સબળ જાગ્રત આત્માઓ તેમ કરી શકે છે.
કર્મનો ફલોદય
કર્મ જ્યારે ઉદયમાન થાય છે ત્યારે તે સાક્ષાત્પણે સ્વયં કાંઈપણ નિપજાવી શકતું નથી, પણ પોતાની પ્રકૃતિ અનુસાર માત્ર કાર્ય થવાનું નિમિત્ત રચી આપે છે. તેનું કાર્ય જ નિમિત્તમાત્ર રચી આપવાનું છે, બાકીનું કર્તવ્ય આત્માને અધીન છે. જો કર્મમાં નિમિત્ત આપવા પૂરું પાડવા ઉપરાંત સત્તા હોત એટલે બળાત્કારથી આત્માને તત્પ્રાયોગ્ય કર્તવ્યમાં જોડવાનું સામર્થ્ય હોત, તો આત્માને ત્રણે કાલમાં મોક્ષનો અસંભવ જ રહેત અને પછી ઈશ્વર તીર્થંકર અને શાસ્ત્રનો આશય નિષ્ફળ જાત. કર્મ નિમિત્ત પૂરું પાડી સત્ત્વહીન થાય છે, પછી તે નિમિત્તનો લાભ લેવો કે નહિ, તે
Jain Education International
For Private & Personal Use Only
—
www.jainelibrary.org