Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
આવે તો તે સફળ છે એમ શ્રી જિનનો સિદ્ધાંત છે. એ દર્શાવવા માટે જ આચારાંગ સૂત્રમાં જણાવેલ છે કે, જે એક જાણે છે તે સર્વ જાણે છે : જે સર્વ જાણે છે તે એક જાણે છે' – અર્થાત્ જે એક વસ્તુને તેના સર્વ પર્યાયથી જાણે છે તે નક્કી સર્વને જાણે છે, કારણકે સર્વજ્ઞાન વિના વિવક્ષિત એવી એક વસ્તુને સ્વપર પર્યાયભેદથી ભિન્ન કરીને તેનાં સર્વ રૂપે સમજવી એ અશક્ય છે; જે સર્વને સર્વરૂપે સાક્ષાત્ જાણે છે, તે એકને પણ સ્વપર પર્યાયભેદથી ભિન્ન રૂપે, યથાર્થ જાણે છે - તે પ્રમાણે એક આત્માને જે જાણે તે સર્વને જાણે. સકલ ક્રિયાઓ વગેરેની પ્રવૃત્તિ કેવલ એક આત્માને જાણવા માટે જ છે. જ્યારે એ પ્રકારથી આત્માને જાણવામાં આવે છે ત્યારે જણાય છે કે આત્મા એ ઈશ્વર છે અને તે સૌ સૌની પાસે છે.
૧૩૮
આ રીતે પંચભૂતવાદી ચાર્વાક અને નૈરાત્મ્યવાદી બૌદ્ધથી જૈન જુદા પડે છે. બૌદ્ધનો નૈરાત્મ્યવાદ (સર્વનનાભમ્) બૌદ્ધ દર્શન સંબંધે આ જ ગ્રંથમાં લખેલું છે તે પરથી સમજાશે.
૨. આત્મા નિત્ય છે.
આત્માનું નિશ્ચય સ્વરૂપ અવિનાશી છે એટલે નિત્ય – ત્રણે કાળ રહેવાવાળું છે, સત્ છે. પર્યાયદૃષ્ટિએ જોતાં જીવ મનુષ્ય, તિર્યંચ આદિ અનેક ગતિ લેતો વ્યવહારમાં જોવામાં આવે છે તેથી તેને અનિત્ય રૂપ માની શકાય તેમ છે. જૈનો સ્યાદ્વાદી જીવને નિત્યાનિત્યરૂપ – સદસદ્રૂપ માને છે, એકાંત નિત્ય કે એકાંત અનિત્ય માનતા નથી.
દેહના યોગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે છે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે છે એ શંકાનું સમાધાન ઉપર આપણે કરી ગયા છીએ એટલે તે પરથી દેહથી ભિન્ન એવો આત્મા સિદ્ધ કર્યો છે. આત્મા દેહ તથા દેહના સંયોગીને જુએ છે અને જાણે છે; તેથી તે સંયોગોથી ભિન્ન છે, દ્રષ્ટા છે જ્ઞાતા છે, અને દેહ અને સંયોગો દૃશ્ય છે. આથી કોઈપણ સંયોગથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી એમ જણાશે. જીવને કોઈપણ સંયોગ જાણતા નથી, જ્યારે જીવ તે સર્વ સંયોગોને જાણે છે; એ જ જીવનું જુદાપણું અને સંયોગોથી ઉત્પન્ન નહિ થવાપણું સહસિદ્ધ કરે છે. કોઈપણ સંયોગથી જે ઉત્પન્ન થયું ન હોય અર્થાત્ જે પદાર્થ પોતાના સ્વભાવથી જ સિદ્ધ હોય તેનો લય બીજા કોઈપણ પદાર્થમાં થાય નહિ અને જો બીજા પદાર્થમાં તેનો લય થતો હોય, તો તેમાંથી તેની પ્રથમ ઉત્પત્તિ થવી જોઈતી હતી, નહિ તો તેમાં તેની લયરૂપ એકતા થાય નહિ, માટે આત્મા અનુત્પન્ન અને અવિનાશીં – નિત્ય છે એ પ્રતીતિમાં આવે તેમ છે.
સર્વમાં જન્મથી ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, પારેવાને વિશે જન્મથી જ નિહિઁસકપણું હોય છે. માંકડ આદિ જંતુઓને પકડતાં તેને ભવ્ય સંજ્ઞા થાય છે તેથી તે નાસી જવાનો પ્રયત્ન કરે છે; કોઈક પ્રાણીમાં જન્મથી પ્રીતિનું, કોઈકમાં સમતાનું, કોઈકમાં નિર્ભયતાનું, કોઈમાં ભય સંજ્ઞાનું એમ વિશેષપણું જોવામાં આવે છે. આ ભેદ એટલે ક્રોધાદિ સંજ્ઞાના ન્યૂનાધિકપણા આદિથી, તેમજ તે-તે પ્રકૃતિઓ જન્મથી સહચારીપણે રહેલી જોવામાં આવે છે તેથી, તેનું કારણ પૂર્વના સંસ્કારો જ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org