Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૮૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
હતા અને આર્ય આદર્શના નમૂનારૂપ હતા. તેમના ધર્મે બ્રાહ્મણોની સત્તાને નાબૂદ કરવા અવશ્ય પ્રયત્ન કર્યો છે, પણ તેમ કરવામાં તેમણે કદી પણ જીવનના ભૌતિક સુખ અને ઈન્દ્રિયવિલાસોને માટે સ્વચ્છેદભરી છૂટ આપી નથી તેમ તરવારનો પણ ઉપયોગ કર્યો નથી. તેમની આશ્ચર્યકારક ફત્તેહ થઈ તે તેમના ઉપદેશ અને સમજાવવાની શક્તિમાં રહેલ વજ્રત્વ અને પ્રજ્ઞા અને તેમના જીવનની અતિશય ઉત્તમ અને ઉદાત્ત પવિત્રતાને લઈને થઈ હતી.
મહાવીરે કૈિવલ્ય પ્રાપ્ત કર્યા પછી જે શૈલીએ ઉપદેશપ્રવૃત્તિ કરી હતી તેમાંથી પણ અનેક શિક્ષણીય અંશો ગ્રહણ કરવા યોગ્ય છે. તેમણે કદી હાલના ઉપદેશકોની માફક બીજાઓનાં છિદ્ર શોધવા અથવા બીજાઓના ધાર્મિક વર્તાવ કે આચારવિચાર ઉપર બેધારે ખગ ફેરવવા ઉદ્યોગ કર્યો નથી. વિશ્વનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ કરવા માટે જ તેમના તીર્થંકરપદનું નિર્માણ હતું, છતાં તેમણે તે નિર્માણ સિદ્ધ કરવા માટે કોઈને પોતાનો ઉપદેશ પરાણે અથવા સામાની અનિચ્છા છતાં આપવાનો પ્રયત્ન કર્યો નથી, તેમજ તેમના આચારવિચારને તરછોડી નાંખી પોતાના વાડામાં આવવાને લોકોને લલચાવ્યા નથી. તેમની ઉપદેશપદ્ધતિ શાંત, રુચિકર, દુશમનને પણ તરત ગળે ઊતરે તેવી, હૃદયસ્પર્શી, મર્મગ્રાહી અને તેમના આશયને શ્રેષ્ઠ હૃદયમાં સીધી રીતે પરિણાવે તેવી સરળ હતી.
દુનિયા મારા અભિપ્રાયને જ મળતી થઈ જાય અને મારા આશયને જ અનુસરવાવાળી થાય એવી ઇચ્છા પ્રભુએ કદી રાખી નહોતી. તેઓ જાણતા હતા કે એવી ઈચ્છા એ પણ એક પ્રકારની નબળાઈ છે અને તે મનુષ્યહૃદયના બંધારણનું અજ્ઞાન સૂચવનારી છે. આખી દુનિયા ગમે તેવા વિવાદ વિનાના વિષય ઉપર પણ કદીપણ મતભેદ વિનાની બની જ નથી અને ભવિષ્યમાં બનવાનો સંભવ પણ નથી. કહેવાય છે કે કૈવલ્યજ્ઞાન પછી તેમની પહેલી દેશના ખાલી ગઈ હતી. અર્થાત્ તેમના ઉપદેશની અસરથી એક પણ અંતઃકરણ ચલિત થયું નહોતું. (કે જે જૈનોના માનવા પ્રમાણે કોઈપણ તીર્થંકરના સંબંધમાં બન્યું નથી અને બનતું નથી, છતાં પણ પ્રભુએ તે ઉપરથી દુનિયાના હિત માટે કશી જ ચિંતા દર્શાવી નહોતી. આજે જેવી અનેક મતભેદ અને સંપ્રદાયોની ધમાલ ચાલે છે તેવી તે દેશકાળના સ્વરૂપને અનુસરતી ધમાલ તે વખતે પણ જરૂર ચાલતી જ હશે, કેમકે મનુષ્યહૃદયનું બંધારણ બધા દેશકાળમાં એક જ પ્રકારનું રહે છે – માત્ર તેના ઉપર પ્રચલિત ભાવનાઓની છાપ જ પડે છે.
મહાવીર પ્રભુએ પોતાનો સમુદાય, બીજા સંપ્રદાયોના સમુદાયના મુકાબલે. સંખ્યામાં પાછળ રહી જાય તેની દરકાર કરી નથી. માત્ર પોતાના સંબંધમાં આવનાર મનુષ્યોને તેમણે અત્યંત સરકપણે, પ્રેમભાવ અને મિષ્ટવાણીથી તેમના અધિકારને ઘટતો ઉપદેશ આપ્યો હતો. મહાવીર પ્રભુના અનુયાયીઓની સંખ્યા, ગોશાળ જેવા એક સામાન્ય મત પ્રવર્તકના (બીજા ઇતિહાસ પ્રમાણે) અનુયાયીઓની સંખ્યા કરતાં પણ થોડી હતી એ જ એમ દર્શાવી આપે છે કે પ્રભુએ કદી પણ પોતાનો વાડો વિસ્તારવા ભણી બીજાની માફક લક્ષ્ય રાખ્યો નહોતો. જો તેમણે તેવો આશય રાખ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org