________________
૧૧૬
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
બાધક છે, આયુકર્મ આત્માના અવગાહગુણને અટકાવે અને નામકર્મ આત્માના સૂક્ષ્મત્વ ગુણને અટકાવે છે :
આ આઠે કર્મો જવાથી મુક્તજીવના – સિદ્ધના આઠ ગુણો પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણ કર્મનો નાશ થવાથી કેવલજ્ઞાન – અનંતજ્ઞાન (અવાંતર સત્તાવિશિષ્ટ વિવક્ષિત પદાર્થને વિષય કરવાવાળી ચેતના. લોક, અલોકના સ્વરૂપનું સમસ્ત પ્રકારે જ્ઞાન) થાય છે, દર્શનાવરણના જવાથી કેવલદર્શન-અનંતદર્શન (મહાસત્તા વિશિષ્ટ પ્રતિભાસ – લોક અલોકનું નિર્વિકલ્પકજ્ઞાન - સામાન્યાકારે જ્ઞાન એટલે દર્શન) થાય છે, અંતરાયના નાશથી અનંતવીર્ય-બલ આવે છે, અનંતવીર્યથી અનંતદાન-લાભભોગ-ઉપભોગ-વીર્યમય થવાય છે. મોહનીય જતાં અનંતચારિત્ર, ક્ષાયિક સમ્યત્વ – વીતરાગતા પ્રાપ્ત થાય છે. નામકર્મના નાશથી સૂક્ષ્મત્વ - અરૂપીપણું પ્રાપ્ત થાય છે. (નામકર્મ હોય ત્યાં શરીર હોય, શરીર હોય ત્યાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય – તેથી નામકર્મનો ક્ષય થવાથી અરૂપી ગુણ પ્રગટ થાય છે.) ગોત્ર કર્મનો ક્ષય થતાં અગુરુલઘુત્વ = ભારીપણું નહિ તેમ હલકાપણું નહિ. – ઊંચનીચપણું રહેતું નથી. વેદનીય જતાં અવ્યાબાધ સુખ – નિર્વેદનીય – નિરુપાધિક અનંત સુખ પ્રાપ્ત થાય છે – આ આનંદમાં સુખદુઃખરૂપ વિકલ્પ હોતો જ નથી, અને આયુષ્યકમેનો નાશ થતાં અક્ષય સ્થિતિ પ્રાપ્ત થાય છે.
કર્મ એ પૌદ્ગલિક છે અને તે પુદ્ગલ જ્યારે જીવ સાથે બંધાય છે, ત્યારે પુદ્ગલનું નામ 'કર્મ પડે છે, તે સંયોગને બંધ કહે છે. બંધનું સ્વરૂપ બંધતત્ત્વ'માં જણાવેલ છે. આ કર્મથી આત્મા સુખદુઃખ અનુભવે છે. અને તેનાથી સંસાર થાય છે.
ઘાતી ચાર કર્મના નિમિત્તની સત્તા ઉપર આત્મા વિજયી થાય તો અનંત જ્ઞાનાદિ પોતાની સ્વસત્તાનો તેને લાભ થાય. આ કાળે તે સત્તા માત્ર શક્તિપણે જ છે, તે અવ્યક્ત શક્તિ (latent powers)ને વ્યક્ત (patent) કરવાની ક્રિયા તે જ મોક્ષમાર્ગ છે અને તે માર્ગ જે આત્માઓને તેની પ્રાપ્તિ થયેલી છે તે જ બતાવી શકે છે. બાકીના માર્ગ એ તર્ક અને અટકળ માત્ર છે. જેમણે પ્રત્યક્ષ સ્વરૂપ વેડ્યું છે તે જ અન્ય ભવ્યાત્માઓને તે માર્ગમાં વાળી શકે છે.
૧. જૈનો તથા વેદાન્તીઓ બંને આત્માને પુરષ કહે છે, સાંખ્યો ક્ષેત્રવિ-ક્ષેત્રજ્ઞ કહે છે સિાંખ્યો
પણ પુરુષ કહે છે. અને બૌદ્ધો જ્ઞાન - વિજ્ઞાન સ્કંધ કહે છે, તેમજ આત્માથી અન્ય એવું જે કાંઈ માનીને સંસારાદિ વ્યવહારનો નિર્વાહ થાય છે તેને બૌદ્ધ અને વેદાંતીઓ અવિદ્યા' કહે છે, સાંખ્યો પ્રકૃતિ કહે છે અને જૈનો કર્મ કહે છે. પરંતુ એ બધા નામમાત્રના ભેદ છે, એમાં તાત્ત્વિક ભેદ નથી. વળી આત્મા અને તદન્ય એવું જે કોઈ (કર્મ) તેના સંયોગથી વ્યવહાર (સંસાર) ઊપજે છે, તો તે સંયોગને પણ જુદાં જુદાં નામ આપવામાં આવે છે : બૌદ્ધ તથા વેદાંતીઓ તેને ભ્રાંતિ કહે છે, સાંખ્યો પ્રવૃત્તિ કહે છે અને જૈનો બંધ કહે છે. તેમજ જેના અનુગ્રહથી – પ્રસાદથી બંધમુક્તિ થાય છે તેને જૈનો શાસ્તા કહે છે, બૌદ્ધો વેદ્ય કહે છે અને શૈવ ભાગવત આદિ અવિકારી કહે છે. આ બધા નામભેદ છે અને તે નામભેદ બાધક નથી, કારણકે એકમાંથી અનેક ભેદનો સંભવ છે, પરંતુ પરિણામી એવો આત્મા સ્વયોગ્યતાથી કર્મનો સંયોગ કે તેનો વિયોગ અનુભવે છે એવું સર્વ દર્શને સ્વીકારેલું છે.
- યોગબિંદુ, શ્લો.૧૭-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org