________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૨
વર મુનિવર બને છે!
પરંતુ હાય, સંસારને એવું જાણવાની, સાંભળવાની કે વાંચવાની ક્યાં પરવા છે? એ તો એની ઐહિક વાસનાઓની તૃપ્તિ કરવા માટે જ દોડતો રહે છે, પેલા વિષયોના મૃગજળની પાછળ...
કેટલાક દિવસોની દડમજલને અંતે પુરંદર અયોધ્યાના પાદરે આવી પહોંચ્યો. અયોધ્યાનાં હજારો નર-નારીઓ પોતાના યુવરાજનું સ્વાગત કરવા અને ભાવિ રાજરાણીને નિરખવા ઊમટી પડ્યાં... પરંતુ તેમને ક્યાં એમનો મનગમતો યુવરાજ કે યુવરાજ્ઞી જોવા મળે એમ હતાં! મહામંત્રીએ જાનને સૂનસાન અને વજ્રબાહુ વિનાની જોઈ અનેક શંકાઓ... ભયની લાગણીઓ સાથે પુરંદરને પ્રશ્નોની હારમાળાથી મૂંઝવી નાંખ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વજ્રબાહુ ક્યાં? રાજકુમારો ક્યાં? યુવરાજ્ઞી ક્યાં? બધાં ક્યાં ગયાં? રસ્તામાં શું અકસ્માત નડ્યો? તમે એ બધાંને મૂકીને કેમ આવ્યાં?.’
પુરંદર શો જવાબ આપે? એનું હૈયું ભારે હતું. તેની આંખો રડી રડીને સૂજી ગયેલી હતી તેના મુખ પર ગ્લાનિની અસંખ્ય રેખાઓ ઊપસી આવી હતી. છતાંય એણે ટૂંકો પ્રત્યુત્તર આપી મંત્રીને શાંત કર્યા.
‘કંઈ પણ અનિષ્ટ નથી બન્યું.'
‘તો બન્યું છે શું?’ મહામંત્રી જિજ્ઞાસાને દબાવી ન શક્યા. જ્યારે બીજી બાજુ હજારો નારકો પણ અનેક શંકાઓમાં પડી ગયા.
‘મોટાભાઈએ ચારિત્ર સ્વીકાર્યું. પુરંદરની આંખમાંથી પુનઃ આંસુની ધારા વહેવા માંડી.
‘હૈં ચારિત્ર? યુવરાજ્ઞીનું શું?' ‘એમણે પણ ચારિત્ર સ્વીકાર્યુ...'
‘શું કહે છે! ખોટી વાત! અશક્ય...’
‘સાચી વાત છે. તદ્દન સાચી વાત છે.’
‘પચ્ચીસ રાજકુમારો વચ્ચેથી જ પોતપોતાના નગરે ચાલ્યા ગયા?'
‘ના, પચ્ચીસે રાજકુમારોએ અને ઇભવાહનના નંદન ઉદયસુંદરે પણ ચારિત્ર સ્વીકાર્યું.'
‘હૈં ગજબ...' વયોવૃદ્ધ મહામંત્રીની આંખો પહોળી થઈ ગઈ. તેમનો વર્ષો સુધીનો અનુભવ પણ શરમાઈ ગયો.
હજુ તો પુરંદર પાદરે હતો ત્યાં વાત વિજયરાજ પાસે પહોંચી ગઈ.
For Private And Personal Use Only