________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧ ભાવાર્થ :
ઉપદેશક યોગ્ય શ્રોતાને દેશવિરતિનું સ્વરૂપ બતાવતા પૂર્વે સમ્યગ્દર્શનની નિષ્પત્તિ અર્થે કહે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમુદિત એવાં બે કારણોથી થાય છે : (૧) ભગવાનનાં વચનની યથાર્થ પ્રતીતિ થાય તે પ્રકારે શ્રવણની ક્રિયાથી અને (૨) વળી કેટલાક જીવોને તથાભવ્યત્વના પરિપાકને કારણે જીવવીર્યવિશેષરૂપ સ્વાભાવિક પરિણામથી એમ બે કારણોથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ જિનવચનશ્રવણરૂપ અધિગમથી અને તથાભવ્યત્વના પરિપાકરૂપ નિસર્ગથી સમ્યગ્દર્શન થાય છે.
આશય એ છે કે યોગ્ય શ્રોતા જિનવચનને અત્યંત અવધાનપૂર્વક શ્રવણ કરે તો તેને પ્રતીતિ થાય છે કે “સંસારના આ સર્વ ભોગો મેં અનંતીવાર પ્રાપ્ત કર્યા, તેથી આ ભોગોથી જે આનંદ થાય છે તે અપૂર્વ નથી પરંતુ અનેક વખત મેં આ ભોગો પ્રાપ્ત કર્યા છે છતાં જીવને તૃપ્તિ થઈ નથી અને ભગવાનનાં દરેક વચનો જીવના અસંગભાવના પરમાર્થને બતાવનારાં છે અને તે સ્વરૂપે મેં જિનવચન અત્યાર સુધી અવધારણ કર્યું નથી, તેથી પૂર્વમાં કરાયેલું જિનવચનનું શ્રવણ અપૂર્વ ન હતું અને હમણાં પોતાનું જીવવીર્યવિશેષ એવું ઉલ્લસિત થવાને કારણે ભગવાનના દરેક વચનમાં અસંગભાવની સાથે એકવાક્યતાથી જોડાયેલ છે એ પ્રકારે પ્રતીત થવાથી તેને વિશ્વાસ થાય છે કે આ પ્રકારે જિનવચનનું શ્રવણ પૂર્વે મેં ક્યારેય કર્યું નથી. આથી જ હજી સુધી હું સંસારમાં છું અને હવે જિનવચનમાં જ અપૂર્વતા દેખાય છે, તેથી અપૂર્વતાની પ્રાપ્તિકૃત મને આનંદ થાય છે.” તેથી તે જીવ અપૂર્વ અપૂર્વ એવા જિનવચનનાં પરમાર્થને જાણવા માટે અત્યંત ઉત્સાહિત થાય છે તેના કારણે તે જીવમાં તત્ત્વને જોવામાં બાધક એવાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મિથ્યાત્વ મોહનીય અને અંતરાય કરનારાં કર્મોનો ક્ષયોપશમ થાય છે. તે ક્ષયોપશમજન્ય ભગવાનનું વચન જ એકાંતે કલ્યાણનું કારણ છે એવું સ્થિર શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન થાય છે.
આ સમ્યગ્દર્શનના કારણે (i) અનાદિથી બાહ્ય પદાર્થમાં જ સુખને જોનાર તુચ્છ વિપર્યાસ બુદ્ધિ હતી તેની વ્યાવૃતિને કરનાર આ સમ્યગ્દર્શન બને છે જેથી મુનિભાવમાં જ તે મહાત્માને સુખ દેખાય છે. (ii) વળી, આ સમ્યગ્દર્શન અસદ્ અભિનિવેશથી શૂન્ય છે અર્થાત્ ભગવાનના વચનથી વિપરીત એવા કોઈપણ પદાર્થમાં સ્વમતિ અનુસાર રુચિ કરવા રૂપ અસદ્ અભિનિવેશથી શૂન્ય છે. (iii) વળી, જિનવચન જે શુદ્ધ વસ્તુનું પ્રતિપાદન કરે છે તેને અનુસરનાર એવી રુચિ સ્વરૂપ છે. વળી, અસંગભાવ પ્રત્યે તીવ્ર પક્ષપાત થવાને કારણે પૂર્વમાં ભોગાદિના આકર્ષણને કારણે જે તીવ્ર સંક્લેશ થતો હતો તેનાથી નિવૃત્ત પરિણામવાળું સમ્યગ્દર્શન છે. (iv) વળી, ચિત્તમાં સંક્લેશ ઘણો અલ્પ થવાને કારણે ઉત્કૃષ્ટબંધના અભાવને કરનારું સમ્યગ્દર્શન છે; કેમ કે તીવ્ર સંક્લેશથી જ ઉત્કૃષ્ટબંધ થાય છે. વળી, સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી જીવને આત્માની મુક્ત અવસ્થા અને સંસારમાં મુનિભાવની અવસ્થા જ સારરૂપ જણાય છે, અન્ય કોઈ સારભૂત જણાતું નથી, તેથી શુભ આત્મ પરિણામરૂપ સમ્યગ્દર્શન છે.
સૂત્રમાં કહ્યું કે જિનવચનાદિના શ્રવણથી કર્મના ક્ષયોપશમાદિ થાય છે, તેથી ટીકાકારશ્રી કર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ ત્રણનું સ્વરૂપ દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે –