________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૮ દિવ્ય આત્મપ્રકાશથી ઝળહળતી દિવ્ય આત્મજ્યોતિનું આ “આત્મખ્યાતિ'ના અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત આ “સુવર્ણ કળશોના પ્રતિપદે' - પ્રત્યેક પદે ઉદ્યોતન કરવામાં આવશે. એટલે અત્રે પદે પદે તે દિવ્ય આત્મજ્યોતિનું દર્શન કરી તે આત્માર્થી મુમુક્ષુ સંત જનો ! તમે શુદ્ધ આત્માનુભૂતિરૂપ પરમાર્થ સમ્યગદર્શનને પામો ! પદે પદે અમે જેમ કરી રહ્યા છીએ તેમ શુદ્ધ આત્માનુભવ કરતા રહી સાક્ષાત્ “આત્મખ્યાતિ” અનુભવ સિદ્ધ કરો ! એમ અત્રે પ્રતિપદે વિવિક્ત આત્મજ્યોતિ દર્શાવવાનો કોલ આપતાં - અત્રે પ્રત્યેક મુમુક્ષુને પરમાર્થ પ્રેરણાનો દિવ્ય ધ્વનિ સૂચવતાં જીવન્મુકત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ દિવ્ય વાણીથી પ્રતિજ્ઞાની ઉદ્ઘોષણા કરી છે કે - અમે અત્રે પદે પદે સ્વયં અનુભવસિદ્ધ કરેલો શુદ્ધ આત્મા (સમયસાર) પ્રગટ ભિન્નપણે દેખાડશું, તેને તે મુમુક્ષુઓ ! તમે પણ આત્માઅનુભવ પ્રત્યક્ષથી પદે પદે પ્રત્યક્ષ દેખજો !
આ સમયસાર અલૌકિક અધ્યાત્મ (નવાંકી) નાટક છે. આ નવતત્ત્વમાં પ્રત્યગુ આત્મજ્યોતિનું - સમયસારનું દર્શન કરાવતું આ સમયસાર અલૌકિક નવાંકી નાટક છે, એવી મહાનું કવિ કલ્પના મહાનું અધ્યાત્મ નાટ્યકાર પરમાર્થ-મહાકવીશ્વર આર્ષદા - અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે કરી, આ અલૌકિક અધ્યાત્મ નાટકની તત્ત્વકલામય સાંગોપાંગ સમસ્ત રૂપક ઘટના અપૂર્વ અદ્દભુત તત્ત્વકળાથી કરી છે. તેમાં - જેમ નાટકના પૂર્વરંગમાં નાટ્યવસ્તુનું સૂચન કરતાં સૂત્રધાર નાટકકાર દેખા-શ્રોતા સભાજનોનો આ આવા નાટકનું દર્શન કરાવવામાં આવે છે તે દેખો ! એમ ભાવવાહી આહુવાન કરે છે, તેમ આ સમયસારનું - શુદ્ધ આત્માનું દર્શન કરાવતા આ સમયસાર અધ્યાત્મ મહાનાટકના પૂર્વરંગમાં આ નાટક વસ્તુનું સૂચન કરતાં મહાઅધ્યાત્મ નાટકકાર સૂત્રધાર “આત્મખ્યાતિ' સૂત્રકાર અત્રે પ્રતિપદે સતત વિવિક્ત આ એકરૂપ ઝળહળી રહેલી આત્મજ્યોતિ દેખાડવામાં આવશે તે દેખો ! અનુભવ - પ્રત્યક્ષ કરો ! એમ પરમ ભાવવાહી આહુવાન કરે છે.
૧૩