________________
૭ ૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સંભાળ સંભાળી દશા ટકાવે-વ્યામોહનો સંભવ છે પ્રમાદે.
મુમુક્ષુએ એ સ્મૃતિ રાખવાની વૈરાગ્ય અત્યંત વઘારવાની. ૫૧ અર્થ - જ્ઞાની પુરુષો આવા ભયંકર મોહમયી સંસારમાં સંભાળી સંભાળીને પોતાની દશાને ટકાવી રાખે છે કેમકે પ્રમાદમાં રહેવાથી ફરી વ્યામોહ એટલે આત્મભ્રાંતિનો ઉદય થવાની સંભાવના છે.
“સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાઘારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.” (વ.પૃ.૪૨૩)
માટે મુમુક્ષુ પુરુષોએ સદા વૈરાગ્યભાવને અત્યંત વઘારવાની સ્મૃતિ રાખવી. “પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે.” (વ.પૃ.૩૧૩) //પલા
કાર્ય પ્રસંગે શીખ આ ન ભૂલે, તો તે ટકે જાગૃતિ-મોક્ષમૂલે.
સંસારમાં નિર્ભયતા ન ઘારો, પ્રારબ્ધ કાળે સમતા વઘારો. પર અર્થ - સંસારના કોઈપણ કાર્યમાં કે પ્રસંગમાં વૈરાગ્ય વધારવાની શિખામણને જે ભૂલશે નહીં; તે મોક્ષનું મૂળ એવી આત્મજાગૃતિમાં સદા ટકી રહેશે.
જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું એ શ્રી વર્ધમાનસ્વામીની છાસ્થ મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું.” (વ.પૃ.૪૨૩)
આ ભયના સ્થાનરૂપ સંસારમાં કદી પણ પ્રમાદવશ નિર્ભયપણે રહેશો નહીં, પણ વૈરાગ્યભાવને વઘારતા રહેજો. કેમકે – “સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનરૂપ એવા આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. એ નિશ્ચયમાં ત્રણે કાળને વિષે શંકા થવા યોગ્ય નથી.” (વ.પૃ.૪૯૦)
તથા પ્રારબ્ધના ઉદય સમયે પણ સમતાભાવને વઘારવાનો પુરુષાર્થ કરજો.
મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાઘન રહ્યું હોવાથી ગમે તેવા માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાઘન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંઘનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અદ્વેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.” (વ.પૃ.૩૪૮) //પરા.