________________
૧૮૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
કરવાની જેની બુદ્ધિ હોય તે પુરુષ નિર્વેદવાન કહેવાય છે.
ભોગવતી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા. તે હરિવહન રાજાના પિતા છે. તેમને વાંદવા હરિવાહન રાજા ગયો. ત્યાં કેવળી ભગવંત દેશના આપે છે કે વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણીઓ આ જગતને શાશ્વત માને છે, પરંતુ સમુદ્રના મોજાં જેવા ચપલ આયુષ્યને તે જોતા કે જાણતાં પણ નથી. ઇત્યાદિ ઘર્મદેશના સાંભળીને રાજાએ કેવળી ભગવંતને પૂછ્યું કે હે ભગવંત! મારું આયુષ્ય કેટલું બાકી છે? કેવળીએ કહ્યું કે નવપ્રહર માત્ર. તે સાંભળીને સંસારને કારાગૃહ સમાન માની હે જીવ હવે ઘણી થઈ થોભ એમ વિચારી રાજાએ દીક્ષા લઈ એકત્વ ભાવનાવડે શુભધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
ચોથું દયા એટલે જેને જગતના સર્વ જીવો પ્રત્યે દયાભાવરૂપ અનુકંપાબુદ્ધિ હોય. તે ઉપર દ્રષ્ટાંત–
ચાર રાણીઓનું દ્રષ્ટાંત - સર્વ જીવો પ્રત્યે સ્વાત્મતુલ્ય બુદ્ધિ કર્તવ્ય. વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એક દિવસ પોતાની ચાર રાણીઓ સાથે ગોખમાં બેઠો હતો. તે વખતે એક ચોરને વથસ્થાન પર લઈ જવાતો જોઈ મોટી રાણીએ રાજાને કહ્યું કે એક દિવસ એને મુક્ત કરી મને સોંપો. પછી રાણીએ તેને સુખી કરવા એક હજાર રૂપિયાનો ખર્ચ તેની પાછળ કર્યો. બીજી રાણીઓએ પણ વિશેષ વિશેષ ખર્ચ કરીને તેને સુખી કરવા માટે પ્રયત્ન કર્યા. ચોથી રાણીએ તે ચોરને કહ્યું કે તું હવે ચોરી ન કરે તો તને ફાંસીમાંથી મુક્તિ કરાવી દઉં. ચોરે કહ્યું કે હવે હું કદી ચોરી નહીં કરું. તેથી રાણીએ તેને ચોરી નહીં કરવાનો નિયમ આપ્યો. પછી રાણીએ અનુકંપા કરી રાજાને કહીને તેને ફાંસીમાંથી મુક્ત કરાવ્યો. એટલું જ નહીં, પણ ચોરીનો ત્યાગ કરાવવાથી તેનો પરભવ પણ સુથાય.
બીજી રાણીઓએ કહ્યું કે છેલ્લી રાણીએ એને શું સુખી કર્યો? એક પૈસાનો પણ ખર્ચ તો કર્યો નથી. એમ વિવાદ કરવા લાગી. પછી રાજાએ ચોરને જ બોલાવીને પૂછ્યું કે તને વઘારે સુખી કઈ રાણીએ કર્યો. ત્યારે તે કહે કે મહારાજ આપની છેલ્લી રાણીએ મને વિશેષ સુખી કર્યો છે. બીજી રાણીઓએ તો સુંદર ભોજન સ્નાન વગેરે કરાવવા છતાં પણ મારા મનમાં તો એમ હતું કે કાલે સવારે તો મારે ફાંસીએ ચઢવાનું છે. તેથી મને કંઈ સુખ ભાસ્યું નહીં. પણ છેલ્લી રાણીએ તો મને અભયદાન આપ્યું. તેથી મારા આનંદનો પાર રહ્યો નહીં. આ પ્રમાણે સર્વ જીવોને પોતા સમાન માની અનુકંપા બુદ્ધિ રાખવી તે સમ્યક્દર્શનનું ચોથું લક્ષણ છે.
તથા જેને નિઃસ્પૃહી એવા સંતપુરુષોની વાણીમાં મનની તલ્લીનતા હોય, તેને આસ્તિકતા અર્થાત્ શ્રદ્ધા કે આસ્થા લક્ષણ કહ્યું છે. તે ઉપર દૃષ્ટાંત –
સદેવગુરુઘર્મમાં દ્રઢ શ્રદ્ધા. બીજા ઘર્મમતનું શ્રવણ કર્યા છતાં પણ વીતરાગ પ્રભુએ જે કહ્યું તે જ સત્ય છે એમ જે નિઃશંક પણે માને તેને આવી આસ્થા હોય છે.
પદ્રશેખર રાજાનું દ્રષ્ટાંત - પૃથ્વીપુરનો પદ્મશેખર નામે રાજા, વિનયંઘર નામના આચાર્યશ્રીથી પ્રતિબોધ પામીને જૈનધર્મી થયો હતો. જૈનઘર્મ આરાધવામાં તે સદા તત્પર હતો. તે રાજસભા સમક્ષ નિરંતર લોકો પાસે ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતો હતો.
જે ગુરુ અન્ય જનોને ઉપદેશ વડે જાગૃત કરે, મોક્ષની ઇચ્છાવાળા જીવોને હિતકારી ઉપદેશ આપે તે સુગુરુ કહેવાય છે. એમને કોઈ વંદન કરે તો રાજી થતા નથી અને નિંદા કરે તેથી ખેદ પામતા નથી.