________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૭૭.
આવશ્યક ક્રિયાઓમાં કુશળતા-આવશ્યકાદિક ક્રિયાઓને વિષે જેની કુશળતા હોય તે સમકિતનું પહેલું ભૂષણ કહેવાય છે. તેનું ભવ્ય પ્રાણીએ આચરણ કરવું. તે સંબંધમાં ઉદાયી રાજાનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે છે :
ઉદાયી રાજાનું દ્રષ્ટાંત :- રાજગૃહ નગરમાં કોણિક રાજાની રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તેનું નામ ઉદાયી પાડવામાં આવ્યું. જ્યારથી ઉદાયી રાજા બની પાટલીપુરમાં આવ્યો ત્યારથી તેના પ્રતાપરૂપી સૂર્યના ઉદયને નહીં સહન કરતા એવા શત્રુ રાજાઓ ઘુવડની જેમ અંઘ થઈ ગયા.
ઉદાયી રાજાએ પ્રતિદિન દાન, યુદ્ધ અને ઘર્મનો ઘણો વિસ્તાર કર્યો. જૈનઘર્મની પૃથ્વી પર સર્વત્ર પ્રભાવના કરી, સદ્ગુરુ પાસે બારવ્રત અંગીકાર કર્યા. તેનું સમકિત અત્યંત દ્રઢ હતું. મહિનામાં ચાર દિવસ ઉપવાસ કરી, દેવગુરુને વંદન કરી, છ આવશ્યકાદિ ક્રિયાઓ કરી, પૌષધ ગ્રહણ કરીને આત્માને પવિત્ર કરતો હતો. તેણે અંતઃપુરમાં જ પૌષધશાળા કરાવી હતી. તેમાં રાત્રીને સમયે વિશ્રાંતિ લઈ સાઘુની જેમ સંથારો કરતો હતો. આ પ્રમાણે તે જૈનધર્મની સર્વ ક્રિયાઓમાં અત્યંત કુશળ હતો. એ જ એમનું ભૂષણ એટલે આભૂષણ હતું.
બીજાં ભૂષણ તીર્થસેવા છે. જેથી તરાય તે તીર્થ છે. સંસારભાવથી વિરક્ત છે એવા સત્પરુષો તો જંગમ એટલે હાલતાં ચાલતાં તીર્થરૂપ છે. અને મહાપુરુષોએ સ્પર્શેલ ભૂમિઓ તે સ્થાવર તીર્થ છે. એવા તીર્થોની સેવા કરવી તે સમકિતનું બીજાં ભૂષણ છે. તે ઉપર દ્રષ્ટાંત –
જેથી તરાય તે તીર્થ છે. જ્યાં સત્સંગ કે સત્પરુષનો જોગ થાય એવા સતુતીર્થની સેવા મોટો ગુણ ઉત્પન્ન કરે છે. પુરુષો જંગમ તીર્થરૂપ છે. પણ અપ્રશસ્તતીર્થની સેવા કાંઈપણ ગુણનું કારણ થતી નથી. તે જણાવવા નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે –
ગૌતમી શ્રાવિકાનું દ્રષ્ટાંત - તુંબડીને તીર્થસ્નાન છતાં કડવાશ ગઈ નહીં. વિષ્ણુ સ્થળ નગરમાં ગૌતમી નામે એક સાર્થવાહની સ્ત્રી પરમ શ્રાવિકા હતી. તેને ગોવિંદ નામે પુત્ર હતો. તે મિથ્યાત્વી હતો. માતાએ તેને જૈનધર્મ પમાડવા માટે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. ગોવિંદ લૌકિકતીર્થની યાત્રા કરવા નીકળ્યો. તેને પ્રતિબોઘ કરવા માટે માતાએ એક કડવી તુંબડી આપીને કહ્યું કે ગંગા વગેરેમાં તું સ્નાન કરે ત્યારે એને પણ સ્નાન કરાવજે. એ વાત માન્ય કરી તે યાત્રાએ ગયો. પોતે ગંગા વગેરેમાં સ્નાન કરી મુંડન વગેરે કરાવીને પાછો ઘેર આવ્યો. માતાના હાથમાં તે તુંબડી આપી. માતાએ તેનું શાક બનાવ્યું. ગોવિંદ જમતી વખતે શાક ચાખતાં તે કડવું લાગવાથી કહે કે માતા તુંબડીનું શાક તો બહું કડવું છે. ત્યારે માતાએ કહ્યું - તુંબડીને ગંગા વગેરે તીર્થોમાં સ્નાન કરાવ્યું તો પછી તેમાં કડવાશ શેની? ગોવિંદ કહે જળમાં સ્નાન કરાવવા માત્રથી કંઈ અંદરની કડવાશ જાય નહીં. ત્યારે માતાએ કહ્યું : તેમ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન વગેરેથી લાગેલા પાપોના સમૂહ તે કંઈ જળમાં સ્નાન કરવા માત્રથી જાય નહીં. તે સાંભળી ગોવિંદ માતા સાથે સમ્મત થઈ ગુરુ પાસે ગયો અને બારવ્રત અંગીકાર કર્યા અને પ્રાંતે શત્રુંજય તીર્થ પર સિદ્ધિ સુખને પામ્યો. સતુદેવ ગુરુ પ્રત્યે સાચી અંતરંગ ભક્તિ ઉપજવી તે સમકિતીનું ત્રીજાં પૂજન ભક્તિ નામનું ભૂષણ છે. તે ઉપર દૃષ્ટાંત –
જીરણશેઠનુ વૃષ્ટાંત - અંતરંગ પૂજન ભક્તિભાવનું ફળ. વિશાળ નગરીના ઉદ્યાનમાં મહાવીર ભગવાન ચાતુર્માસી તપ કરીને પ્રતિમા ઘારણ કરી રહ્યા હતા. તે નગરનો રહેવાસી જીર્ણ