________________
નિત્યનિયમાદિ પાઠ નહીં, હું આત્મા છું એમ સમજાય તો પરમાં પ્રીતિ છે ત્યાંથી ફરીને આત્મસ્વરૂપ પ્રત્યે અથવા સત્પરુષ જે તે લક્ષ કરાવે છે તેમના પ્રત્યે પ્રેમ, બહુમાન, ભક્તિ પ્રગટે. જેમણે આત્માનો લક્ષ કરાવ્યો અને આત્માને સર્વ દુઃખથી મુક્ત કરવામાં જે નિમિત્ત છે એવા જ્ઞાની ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જાગે. શાસ્ત્રમાં ભક્તિના નવ ભેદ બતાવ્યા છે.
“શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.”
– શ્રી બનારસીદાસ તેમાં એકતા-સદ્ગુરુનું શુદ્ધ સ્વરૂપ ને પોતાનું શુદ્ધ સ્વરૂપ બે એક જ છે એવો અનુભવ થાય ત્યાં પરાભક્તિ છે. આત્માનું દર્શન જ્ઞાન સુખ પ્રગટે છે. કહ્યું છે કે “ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.” અહીં ભક્તિ એટલે આત્મસ્વરૂપ ઘર્મનો માર્ગ, તે પામવો દુર્લભ છે. તે પરમાર્થ પ્રત્યે, સત્પરુષ પ્રત્યે યથાર્થ પ્રેમ પ્રગટે તો જ પમાય છે. એવા ભક્તાત્મા સત્યરુષના સંગથી ભક્તિનો રંગ–આત્મા પામવાની તાલાવેલી લાગે છે. એવી ભક્તિ મારામાં નથી. વળી ભજન કીર્તન સ્તવનમાં દૃઢ લક્ષ-એકાગ્રતા-તન્મયપણું આવવું જોઈએ તે પણ આવતું નથી. મનુષ્યભવ પામીને મારે શું કરી લેવાનું છે ? તેનો સ્પષ્ટ ખ્યાલ પણ નથી. ઘર્મ અથવા કર્તવ્ય શું છે? તેની સમજણ નથી, તેથી બીજી વસ્તુમાં રોકાઈ રહ્યો છું. સત્સંગના ક્ષેત્રમાં આત્માની વાત થતી હોય ત્યાં એવા વિચાર જાગે અને કર્તવ્યની સમજણ પડે. પરંતુ તેવા ઉત્તમ સ્થળે રોકાવાનું બની શકતું નથી. સત્સંગનો લાભ લઈ શકાતો નથી.