________________
શ્રી વચનામૃતજી
બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. આ સમજવા જેવું છે. આના ચાર પ્રકાર છે.
૧. જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે. જાણ્યો છે એમ ન લખ્યું, પણ અનુભવ્યો છે એમ લખ્યું છે. એટલે કે આત્મસાક્ષાત્કાર થયો છે. તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ છે.
૨. અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ છે. હિંદુ ધર્મમાં લગભગ આ પ્રમાણે હોય છે. આ જ્ઞાન મળે એટલે તેઓ એમ માને કે અમે મુક્ત થઈ ગયા.
૩. તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે.
૪. અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે.
સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર (ભાંગા) થાય છે. પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. અહીં શું કહ્યું? નિકટ એટલે નજીક એ સીધો ચાલ્યો જાય ક્યાંય અટક્યા વગર (પ્રથમ ભાંગો).
પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. (ત્રીજો ભાંગો). વ્યવહાર-પરમાર્થ સ્વરૂપ એ ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. (બીજો ભાંગો). વ્યવહાર વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. (ચોથો ભાંગો). આ વાત હજી કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મુંઝાશો નહીં.
લક્ષણથી, ગુણથી, અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. જ્ઞાની પુરુષનો તે પછીનો માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિશે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એવો અમારા આત્મામાં લક્ષ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org