________________
૨૩૪
શિક્ષામૃત
દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે;
જીવનની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; દેહ ક્રિયા કરે તો મેં ક્રિયા કરી’ એમ થાય છે. આપણે જ્યાં સુધી આત્માને જાણતા નથી ત્યાં સુધી ભલે તપ કરીએ, જપ કરીએ એથી દેવગતિ પ્રાપ્ત થાય, સારી ગતિ મળે, પણ જનમ મરણના ફેરા ન ટળે, કારણ કે એ ભવ પછી મનુષ્ય ભવ જ મળે એવું નક્કી નથી. દેવગતિ કોને મળે ? ઘણું જ પુણ્ય હોય અને નહિ જેવું પાપ હોય એને મળે. પરંતુ દેવગતિ ભોગ ભૂમિ છે, ત્યાં પુણ્ય ભોગવાઈ જાય પછી બાકીનાં પાપ કર્મો ભોગવવા નીચલી ગતિમાં જવું પડે. દેવને પોતાને અવધિજ્ઞાન હોય. એ જુવે કે મારે ક્યાં જવાનું છે ? જ્યાં જુવે ત્યાં એને ઘણે ભાગે તિર્યંચ ભવમાં જવાનું હોય. બહુ ઓછાને મનુષ્યગતિ મળે એટલે એ એટલો બધો દુઃખી થાય, છેલ્લા છે મહિના કે અરેરે મારે આ બધું સુખ છોડી અહીંયાથી જવું પડશે ? હવે માની લ્યો કે તિર્યંચની ગતિ આવી તો તિર્યંચની ગતિમાં ઘાણીનો બળદ થયો તો ગોળ ગોળ ચાલવું જ પડે, એને કોઈ ખાવા આપે ત્યારે ખવાય, પાણી આપે ત્યારે પીવાય. એ પાછો પશુમાંથી મનુષ્ય ક્યારે થાય, આવા જોગ ક્યારે મળે અને જન્મમરણના ફેરા ટળવાનો પુરુષાર્થ ક્યારે કરી શકે ? તો આવું છે. દેહ એટલે હું એટલે તેની “ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે.” હું “જે કરું છું એ સારું જ કરું છું” એમ માનીને દેહને અનુસરી ક્રિયા થાય છે. પણ હું કોણ છું એ ખબર નથી. દેહને જ ઓળખે છે અને હું અને મારું એમાં જ રચ્યોપચ્યો રહે છે.
દેહનો જન્મ થયો તો આપણે જમ્યા. એ જીવની ઉત્પત્તિ પછી આ શરીરને રોગ થયો તો મને રોગ થયો; શોક આવી પડ્યો કે કોઈ દુ:ખનો પ્રસંગ બન્યો તો આ શરીરને અંગે છે અને મૃત્યુ થશે તો પણ આ શરીરનું થશે, આમ એ બધું શરીરનું છે, છતાં “દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.” આ મને થયું, હું જન્મ્યો, મને રોગ થયો, મને શોક થયો, મને દુઃખ પડ્યું, મારું મૃત્યુ થશે એમ મનાય છે. આ જ અજ્ઞાન છે-અવિદ્યા છે-મિથ્યાત્વ છે-દર્શનમોહ છે. એ ટાળી સાચી સમજણ ન થાય ત્યાં સુધી હિમાલય ખોદી નાખો, તપસ્યા કરીને શરીરને ગાળી નાખો તો પણ જન્મ મરણના ફેરા ન ટળે.
એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨
એવો જે મિથ્યાત્વ ભાવ-તેનાથી દેહ અને આત્મા જે એકમેક થઈ ગયા લાગે છે એટલે કે જીવની ઓળખાણ પડતી નથી; અને દેહને જીવ માનીએ છીએ. એનું શું કારણ છે ? મિથ્યાત્વ ભાવ. સાચી સમજણ નથી. કૃપાળુદેવ કહે છે કે આ મિથ્યાત્વ ભાવ એ જ અજ્ઞાન છે, અંધારું છે. જ્યાં સુધી જ્ઞાનરૂપી અજવાળું ન થાય ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું ન જાય. અજ્ઞાન જાય નહીં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org