________________
આત્યંતર પરિણામ અવલોકન
૩૩૫
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે :
- મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. પહેલા કારણનો અભાવ થયે બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે.
અક્રમ માર્ગ નથી. આ તો ક્રમવાળો માર્ગ છે. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી અવિરતિ જાય નહીં, વિરતિ આવે નહીં, મિથ્યાત્વ અને અવિરતિ જાય નહીં ત્યાં સુધી પ્રમાદ ખસે નહીં અને મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણે જાય નહીં ત્યાં સુધી કષાય ક્ષય થાય નહીં અને આ ચારે જાય નહીં ત્યાં સુધી આ યોગ જાય નહીં. મન, વચન, કાયાના યોગ એ છેલ્લામાં છેલ્લા ચૌદમાં ગુણસ્થાનકે જાય. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અવિરતિ ગૌણ મોહ છે.
આપણો મોટામાં મોટો મોહ શું છે ? મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? તો કહે ઊંધી સમજણ કે આ દેહ એટલે જ હું.
પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વહેતુથી યોગ હોઈ શકે.
અરિહંત ભગવાનને યોગ હોય છે. આયુષ્ય હોય ત્યાં સુધી મન, વચન, કાયાના યોગ રહે. ૧૩માં ગુણસ્થાનક સુધી યોગ રહે.
હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો.
જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહ્યું નથી. જ્યાં જીવનાં પરિણામ વર્ધમાન, હીયમાન થયા કરે છે ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત ધ્યાનલીનપણે સર્વ બાહ્યદ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજસ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org