________________
શ્રી વચનામૃતજી
૧૪૭
તો ઉપયોગ ત્યાં મૂકવો પડે, સ્પર્શ દ્વારા ઉપયોગ ઠંડક કે ગરમીને અનુભવે છે. આ ઇન્દ્રિયનું કાર્ય છે, પણ એકલી હોય તો કામ ન લાગે. મડદુ પડ્યું હોય તો કામ લાગે ? ન લાગે. ઉપયોગ હોય તો (એટલે આત્મા હોય તો) કામ લાગે. તો હવે એ ઉપયોગને આપણે ન પકડી શકીએ ?
આવી ઝીણી વાતો ન સમજાય એટલે મહાત્માઓએ બળવાન દાખલાઓ આપ્યા છે. બળવાન દાખલા શું? તો કહે, બહેનો રોટલી કરે છે ત્યારે એક તરફ વણે છે, એક તરફ શેકે છે, એક તરફ ફેરવે છે, એ બધામાં એમનો ઉપયોગ ફરતો રહે છે. જો રોટલી ફેરવે નહીં તો દાઝી જાય; જો વણવામાં ઉપયોગ ન રાખે તો સરખી વણાય નહીં. લોટ બાંધવામાં પણ બધું જો માપસર ન હોય તો સરખો બધાય નહીં. આ બધું કરે છે એ ઉપયોગ છે માટે. એમાં એકમાં પણ ઉપયોગ ન હોય તો ત્યાં ગોટાળા થઈ જાય. ત્યારે એ ઉપયોગ એ જ આત્મા છે. હવે એને પકડવો કેટલો સહેલો છે.
નટ દોરડા પર નાચે છે. નીચે ટોળું છે, તે કિકિયારી કરે છે પણ નટનો ઉપયોગ તો દોરડા પર જ હોય. જો દોરડા પર ઉપયોગ ન રાખે તો નીચે પડે. એટલે ઉપયોગ એ આત્મા છે. પાંચ સાત સાહેલીઓ હળીમળીને પાણી ભરવા જાય છે, તાળી દે છે, વાતો કરે છે પણ એનો ઉપયોગ ગાગરમાં છે. જો ત્યાં ઉપયોગ ન રાખે તો ગાગર નીચે પડી જાય. લ્યો આ આત્મા છે. આત્માને ગોતવો કાંઈ અઘરો છે ? નથી. પણ આપણે ચિત્ત એમાં દેતા નથી. આપણું ચિત્ત, આ શરીર, એના સગા, પુત્ર, પતિ, ધન, ઘર, વાહનો એમાં રોકાયેલું રહે છે. હવે એ કહે છે કે એ બધામાંથી ખેંચીને અંદર રોકો તો હમણાં તમને ભગવાન મળે.
કોઈ ચીજ ઓળખવી હોય તો એના ગુણ અને લક્ષણથી તે ઓળખાય. આ ઉપયોગ એ આત્માનું લક્ષણ છે. અને જ્ઞાન-દર્શન એ આત્માના ગુણ છે.
અવ્યાબાધ સમાધિ સ્વરૂપ આત્મા છે.
એ તો બિચારો સમાધિમાં પડ્યો છે. એનું સ્વરૂપ જ સમાધિમય છે. પણ આપણે એને સખણો રહેવા દઈએ એવા નથી. આપણે તો એનો ઉપયોગ કરીને, આ સંસારમાં ડૂબેલો રાખીએ છીએ. એટલે માયા, મમતા, મોહમાં એમને એમ જીવીએ છીએ, એટલે અવ્યાબાધ સમાધિ ક્યાંથી આવે ? એ તો બહુ મુશ્કેલ છે. હજી સંપ્રજ્ઞાત સમાધિ આવવી મુશ્કેલ છે તો અસંપ્રજ્ઞાત સમાધિ તો ક્યાંથી આવે ? સમાધિ, યોગનું આઠમું અંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ છે. તો જ્યારે સમાધિ થાય ત્યારે આપણો આત્મા પ્રગટ થઈ જાય. '
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org