________________
૧૮૬
શિક્ષામૃત
એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચેતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૮
એક પરમાણુ પણ તેને સ્પર્શી ન શકે. આકાશમાં ધૂળ નાખીએ તો એને અડે નહીં એમ એ આત્માને પરમાણુમાત્રની સ્પર્શના નથી. હવે એનામાં કાંઈ કર્મરૂપ કલંક રહેતું નથી, પૂર્ણ કલંક રહિત થાય છે. અડોલ સ્વરૂપ એટલે કોઈથી પણ ડોલાવી શકાય નહીં એવું; શુદ્ધ નિરંજન એટલે એને અંજન કાંઈ લાગે નહીં. માત્ર ચૈતન્ય મૂર્તિ. આ શરીર સિવાયનો આત્મા અગુરુલઘુ, અમૂર્ત, સહજરૂપ છે. શુદ્ધ આત્માનું એ રૂપ હવે થઈ ગયું. એ સિદ્ધ શિલામાં કેવી રીતે પહોંચે છે ? તે આગળ કહે છે.
પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ, ૧૯
આ છેલ્લો ભવ હતો અને એને પૂર્વ કર્મ લાગેલાં હતાં. એનું વજન હતું એટલે આત્મા દબાયેલો હતો. જેમ દબાયેલો દડો હોય અને એ છટકે તો ક્યાં જાય ? એમ આત્માનું કર્મરૂપી વજન મટયું, અહીંથી છૂટ્યો એટલે સીધો સડસડાટ લોકાંતે સિદ્ધ ગતિમાં જઈને સ્થિર થઈ જાય. ત્યાં શું હોય ? સાદિ અનંત સુખ. એ સુખ ક્યાં સુધી ભોગવે ? અનંતકાળ સુધી. અનંતદર્શન, અનંતજ્ઞાન આદિ એમાં ભર્યું હોય અને એ સંપૂર્ણ સમાધિ સુખમાં હોય.
જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ ૨૦
જે પદનો અનુભવ સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં કર્યો, એ અવર્ણનીય છે. જે ભગવાન થઈ ગયા એ પણ એને વાણીમાં લાવવું હોય તો લાવી શકે નહીં. એનું વર્ણન કરી શકે નહીં. તે તો માત્ર અનુભવ ગોચર છે. એ તો જે સાકર ખાય એ જ એનો સ્વાદ માણે એના જેવું છે.
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ ૨૧
આ પ્રમાણે મેં પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કર્યું છે. મારું ગજું નથી. અત્યારે તો હું એ પ્રમાણે થઈશ એવા મનોરથ સેવું છે. પણ આ રાજચંદ્રને તો એના મનમાં નિર્ણય થઈ ગયો છે કે પ્રભુ આજ્ઞાએ, ભગવાનની કૃપાએ, એની આજ્ઞાએ એના જેવા જ, તે જ સ્વરૂપ થઈ જશું.
આપણને પણ ખાત્રી છે કે આપણે પણ તે જ સ્વરૂપ થઈ જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org