________________
જગતના જીવોને જ્યાં સુધી અપૂર્ણ જોઈશું તો ત્યાં સુધી અથડામણ થવાની. પૂર્ણ દષ્ટિ ન પ્રગટે ત્યાં સુધી જ્ઞાનદષ્ટિ... અને જ્ઞાનદષ્ટિના પ્રથમ ચરણમાં છે ગુણદષ્ટિ.
આત્માના પ્રતિબંધક તત્ત્વો છે રાગ અને દ્વેષ. કેવળજ્ઞાન મેળવવા જેવી ચીજ છે, પણ મહેનત કરવાની છે મોહનીયના ક્ષય કરવા માટે. મોહનીયનો ક્ષય થતાં જ ધર્મસત્તા કેવળજ્ઞાનની ભેટ આપે છે.
મો - મોહ, ક્ષ - ક્ષય.... મોહનો ક્ષય થાય તો મોક્ષ.
ઘાતકર્મોથી મોક્ષ અટકે છે. ચાર જે અઘાતી છે તે કાયાપ્રધાન છે. ઘાતી આત્મપ્રધાન છે.
અપૂર્ણ એવા આપણે પણ ગુણદૃષ્ટિ ખીલવીશું તો એક દિવસ ચોક્કસ પૂર્ણ બની શકાશે. ગુણદષ્ટિનો એટલો બધો વિકાસ કરો કે સંસારની અથડામણ ઓછી થઈ જાય.
ગુણ પ્રેમને ખેચી લાવે છે અને પ્રેમ પ્રતિષ્ઠિત થતાં પરિવર્તન શક્ય બની શકશે.
એક છોકરો સ્કુલમાં રમાતી મેચનો કેપ્ટન બન્યો. મેચમાં વિજેતા બન્યો. હારતોરા પહેરાવ્યા. સ્કુલમાં સન્માન થયું. છોકરો ખુશ થતો ઘેર આવ્યો. દીકરો વિજેતા બન્યો છે એ ખબર છે અને ચાર દિવસ પહેલા એણે સીગારેટ પીવાનું શરૂ કર્યું છે એ પણ પિતાજીને ખબર છે. દીકરો ઘરે આવતા જ પિતા એને ભેટી પડ્યા ને બોલ્યા, “બેટા, મારું હૈયું આજે ભરાઈ આવ્યું છે. તું આજે વિજેતા બન્યો પણ આગળ વધતાં તું તારા પુરૂષાર્થથી આખા હિંદુસ્તાનનો કેપ્ટન બની વિશ્વવિજેતા બને એવા હું આશીર્વાદ આપું છું. વિશ્વવિજેતા બનવાની ભાવના ધરાવનારે પોતાની છાતી લોખંડી બનાવવી પડે. બાવડામાં જોર લાવવું પડે. બેટા, આજથી તું દૂધ વધારે પીજે. તું આગળ વધીશ તેમ તેમ તારા સંપર્કમાં ઘણી વ્યક્તિઓ આવશે. એમની સાથે બહાર જાય તો સાત્ત્વિક આહાર લેજે પણ સીગારેટ ક્યારેય પીતો નહિ.” આમ કહીને પિતાજી અંદરની રૂમમાં ચાલ્યા ગયા.
“પિતાજી ઊભા રહો!” કહી છોકરો પિતાજીના પગમાં પડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. “પિતાજી! મને માફ કરો. અત્યારે જ મને પ્રતિજ્ઞા આપો. હું જીવનભર સીગારેટને હાથ પણ નહીં લગાડું.”
સુધારવાની રીત શીખો. કહેવાની પદ્ધતિ શીખો.
=
• ૧૩ •
=