________________
પ્રભની વાણી અંતરસ્પર્શી બની જાય તો ધીરતા / ગંભીરતા ટકી રહે. ધર્મ કર્યા પછી સમતા ખિલવી જ જોઈએ. દર્દી ડોક્ટરના દવાખાનામાંથી બહાર નીકળે ત્યારે એને એમ થવું જ જોઈએ કે આ ડોક્ટરના કહેવા પ્રમાણે મારું દર્દ ચોક્કસ દૂર થશે જ.
- જિનવાણીથી ફ્રેશ થાઓ તો તમારા કલેશો બંધ થશે જ. એક કલાકનું આધ્યાત્મિક જ્ઞાન એ જિનવાણી છે. પ્રભુ વીરનો પણ વિરોધ કરનારા હતા. સગી દીકરી એમની ખિલાફમાં ઊભી હતી તો આપણા જેવા પામર જીવોના જીવનમાં આવું થાય તેમાં શું આશ્ચર્ય! વીરપ્રભુના કાનમાં ખીલા ઠોકાય તોય સમતા! હે જીવ! કોઈના કડવા શબ્દ સાંભળી ઉકળે છે શા માટે? કડવા શબ્દ સાંભળ્યા પછી પણ મન શાંત રહે એ કાનનો શણગાર છે. મુખનો રંગ લજ્જા.
ધર્મ મળે અને ફળે તો જ આ સંસાર ટળે, નહીં તો ગમે તેટલું ટળવળે તો પણ કાંઈ ન વળે.
આ સંસારમાં ત્રણ ચીજો સસ્તી છે : સલાહ, સૂચન અને આશિર્વાદ.
આ ત્રણ વસ્તુઓના હોલસેલ વેપાર માટે માનવી હરપળે તૈયાર રહે છે. કેટલાક વણમાંગી સલાહ માટે હરપળે તૈયાર હોય છે. શરીરમાં ઝડપી પ્રસરનારી ચીજ જો કોઈ હોય તો તે ઝેર છે. સારી વસ્તુનો જલ્દી પ્રસાર થાય કે ન થાય પણ ખરાબ વસ્તુનો જલ્દી પ્રસાર થાય છે.
અમારા વિહારમાં પાછળથી પવન આવે તો વિહારમાં એક કલાકમાં પાંચની જગ્યાએ છ-સાત કિ.મી. ચલાઈ જાય. પણ સામેથી પવન આવે તો વિહારમાં બાધક થાય. નિંદકો હંમેશાં પાછળથી બોલે છે, જે આપણા માટે ઉપકારી છે. પ્રશંસકો આપણી સામેથી આવે છે, જે આપણી પ્રગતિને રોકે છે. હેમચંદ્રાચાર્યજીએ પોતાના એક ગ્રંથમાં પ્રથમ દુર્જનને નમસ્કાર કર્યા છે. દુર્જન જો મારી ભૂલ કાઢશે તો મારો ગ્રંથ સુધરશે. સજ્જન તો ભૂલ કાઢશે જ નહીં. ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલ જૂઠ જો માણસને સમજાઈ જાય તો ઇતિહાસ કંઈક જુદો જ લખાયો હોત. સંસાર ઘટાડવો હોય તો રાગ-દ્વેષ ઘટાડી નાખો.
આજે ‘રક્ષાબંધન' છે ને?
એક બેનના લગ્ન થયા. વિદાય વખતે ભાઈએ બેનને કરિયાવરમાં ઘણું બધું આપ્યું. ૧૭ ગાડા ભરીને કરીયાવર આપ્યો. વિદાય આપતા ભાઈની આંખમાં આંસુ... કળીયુગમાં પણ સતયુગના માણસો હોય છે.
= • ૫૯ •