________________
ભાઈએ બેનના લગ્ન કરી વિદાય આપી. બેન સાસરે ગઈ. વૃદ્ધાવસ્થાને પામેલા પિતાની છાયા પણ ત્યારબાદ ગુમાવી. ભાઈ-બહેનને ખૂબ લાગણી હોવાથી ૧૫ દિવસે પત્ર લખે. એકાદ મહિને મળી પણ આવે. ભાઈ-બેન બંને સુખી છે. આ સંસાર કાયમ માટે સુખમય હોત તો ભગવાન આ સંસારને દુઃખમય ન જણાવત. ઉદય-અસ્ત, તડકો-છાંયો, ચડતી-પડતી આ સંસારમાં અનુભવાય છે. ભાઈને ધંધામાં જબરી ખોટ આવી. બધું ખલાસ થઈ ગયું. ખાવા-પીવાના પણ ઠેકાણા પડતા નથી. આ પરિસ્થિતિમાં પત્ની પણ છોડી ચાલી ગઈ. કાંચીડો ક્યારે રંગ બદલે કાંઈ કહેવાય નહીં. સંસારનો પ્રત્યેક પળે રંગ બદલાય છે. ભાઈ વિચારે છે કે બેનના ઘરે જાઉં. એમ વિચારી બેનના ગામના પાદરે પહોંચે છે. બેનને સંદેશો મોકલ્યો પણ બપોર થવા આવી છતાં બેન ન આવી. ભાઈને થયું કે બેન ભૂલી ગઈ હશે. વિશ્વાસ એ સંસારનું બહુ મોટું તત્ત્વ છે. ભાઈની પરિસ્થિતિના સમાચાર બેનને મળી ચૂક્યા હતા. ભાઈએ બેનના ઘરમાં પ્રવેશ કર્યો. બનેવી પાછલા બારણેથી બહાર નીકળી ગયા. ઈન-આઉટની વ્યવસ્થારૂપ આ સંસાર છે! વાળ અને દાઢી વધેલા છે. કપડા મેલા છે. બેન ભાઈને જોઈને કહે છે કે આવડો મોડો આવ્યો તો જમીને જ આવ્યો હોઈશ. બેને એક ઠંડા પાણીનો ગ્લાસ આપ્યો. ભાઈ સમજે છે પણ કાંઈ બોલતો નથી. થોડીવાર પાડોશી સહેલી આવી. બાંકડા ઉપર માણસને જોઈને પૂછે છે કે આ કોણ આવ્યું છે? જ્ઞાનીઓ કહે છે કે આ સંસારમાં સહુ ઈમેજ જાળવવા ટેવાયેલા છે. બેન બોલે છે આ તો મારા બાપાના ઘરનો રસોઈયો આવ્યો છે. બેનના મુખથી આવા વેણ સાંભળી ભાઈનું અંતર ચિરાઈ ગયું. કાતરની ધાર, ચપ્પની ધાર, મશીનની ધાર ઘસાય છે પણ આ એક એવી ચીજ છે, જેમ જેમ ઉંમર થાય તેમ તેમ ધારદાર થઈ જાય છે. એ ચીજ છે જીભ. છરીના ઘા કરતાંય જીભના ઘા ભયંકર હોય છે.
ભાઈની નજર સામે બેન સાથેની બાળપણથી માંડીને લગ્ન સુધીની સ્મૃતિઓ તાજી થઈ. આટલો પ્રેમ ધરાવતી બેન માટે હું આજે નોકર બની ગયો. બહેનપણી તો ચાલી ગઈ. બેન ભાઈને કહે છે, વહેલો અજવાળામાં ઘરે પહોંચી જજે. તું રોકાવાનો થોડો છે? ભાઈ ઊભો થઈ ચાલવા લાગ્યો ત્યારે બેને ખાવા માટે સવારનો સૂકો બાજરાનો રોટલો થેલીમાં આપ્યો. ગામ બહાર જઈ ભાઈ વિચારે છે, લોહીના સંબંધો પૈસાના સંબંધથી તોલાતા હશે એની આજે ખબર પડી. હવે જીવીને હું શું કરું? જીવનનો અંત આણવા તૈયાર થાય છે.