________________
અંજનાને જોતા જ રાજા આંખ દબાવે છે. રાજા કહે છે એ કાળમુખીને એના બાપના ઘરે મૂકી આવો. રાજાનો આદેશ સાંભળી મંત્રી કહે છે એકવાર અંજનાનો બચાવ તો સાંભળી લો. એક કામ કરો પવનંજય આવે ત્યાં સુધી રાહ જુઓ. કર્મોદય જાગે ત્યારે સજ્જનોની સલાહ પણ કામ આવતી નથી. આમ અંજનાને વીંટી કામ ન આવી. રાજાએ કડક શબ્દોમાં આજ્ઞા ફરમાવી કે આ કુલટાને મહેન્દ્રપુરમાંથી દેશનિકાલ કરો. અંજના અને વસંતાને રથમાં બેસાડવામાં આવ્યા. નગરમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ. રાજમાર્ગ ઉપરથી રથ પસાર થાય છે. બધા લોકો પૂછે છે. કોઈક કવિએ કહ્યું છે -
સારા દિવસો મહી સલામ કરી જે ઝૂકી જાય, માઠા દિવસોમાં એ જ સામે ઘૂંકી જાય છે. કોઈ કહે છે પડછાયો સાથે ના છોડે કોઈ દિ.
અંધારે પડછાયો પણ સાથ છોડી જાય છે.
અંજના જુએ છે કે આજે નગરવાસીઓ પણ મારી પર તિરસ્કાર વરસાવી રહ્યા છે. હું નિર્દોષ હોવા છતાં ગુનેગાર સાબિત થાઉં છું. આમાં મારા કર્મોનો દોષ છે. સુખના દહાડાની કલ્પનામાં હું ખોવાઈ ગઈ હતી. ત્યાં અચાનક અકાલ્પનિક દુઃખ આવી ચડ્યું. સાસુ-સસરાએ મારી વાત ન માની પણ મારા ભાઈને સમાચાર મળશે તો એ દોડીને આવશે. સ્વજનોને યાદ કરી અંજનાની આંખમાં આંસુ છલકાયા. રથ પિતાજીના નગરમાં પાદરે આવી પહોંચ્યો. અંજના પોતાના પિતાને સમાચાર મોકલે છે. પિતા-ભાઈ હમણાં મને લેવા આવશે એવી કલ્પનામાં અંજના રાહ જોઈ રહી છે.
જીવનમાં કોઈપણ પરિસ્થિતિ સર્જાય ત્યારે મનઃસ્થિતિને કાબુમાં રાખો. કોઈપણ ઘટના બને છે તે મારા કર્મોને કારણે જ છે, આવી શુભ વિચારણાથી આનંદના દીવડા પ્રગટશે. કર્મોનો દોષ છે, બીજી પર રોષ કરવાથી શું વળે? આ જ્ઞાનદષ્ટિ જાગવી જરૂરી છે. જે સમજશક્તિ કેળવે છે કે કેટલાય પાપકર્મોમાંથી નિર્જરા સાધી લે છે. જ્ઞાની અને અજ્ઞાનીના ભેદ સાંભળી સગુણ તરફનું આકર્ષણ વધારી દેજો. હલકી અને ક્ષુલ્લક વાતોમાંથી ચિત્તને પાછું વાળ.
• ૧૮૫ •
=