________________
ચક્રવર્તીના સુખ, સ્વર્ગમાં ઈન્દ્રના સુખો, અનુત્તરના સાગરોપમના સુખો પોતાનાં ન હોવાથી એકવાર બધાને જ છોડવા પડે છે. સિદ્ધોનું સુખ પોતાની માલિકીનું હોવાથી કયારેય જતું નથી. તારું પોતાનું છે એની શોધ કરી શાંત બની જા. ૧૨૦૦ ખાડા બબ્બે ફૂટના ખોદીશું તો પાણી નહીં મળે પણ એક જ જગ્યાએ કાર્ય આરંભીશું તો પરિણામ મળશે. આઈગ્લાસ નીચે કાગળ કે કાપડ ક્યારે બળે? કિરણો આઈ ગ્લાસમાં સ્થિર બન્યા એટલે આ પ્રક્રિયા થઈ. કષ્ટ વગર જો કર્મના કષ્ટો બાળવા હોય તો સ્થિરતા જેવો બીજો કોઈ રસ્તો નથી. જે એક જગ્યાએ સ્થિર થઈ શક્તો નથી તે સતત ભટક્યા કરે છે અને અનેક દુ:ખોને ભોગવ્યા કરે છે.
પિંગળાનું મન રાજામાં સ્થિર ન થયું ને મહાવતમાં લાગ્યું ત્યારે પિંગળાએ પોતાની ખુશી માટે અમરફળ મહાવતને આપ્યું. મહાવતે વેશ્યાને આપ્યું. વેશ્યા વિચારે છે કે હું અમર બનીને પાપો જ કરીશ, રાજાને આપીશ તો રૈયતનું પાલન કરશે. રાજાના હાથમાં થાળ છે ઉપર રેશમી રૂમાલ ઢાંકેલો છે રાજાએ જેવો રેશમી રૂમાલ દૂર કર્યો ને ત્યાં ફળ જોઈને ચોંકી ગયા. આ ફળ વેશ્યા પાસે આવ્યું કયાંથી? રાજા પૂછે છે, બેન! આ ફળ તું કયાંથી લાવી? માલિક, આપની દયાથી મળ્યું છે. આપ પૂછો નહીં કે કયાંથી મળ્યું છે. બસ આપ એનો સ્વીકાર કરો અને મારી તમન્ના પૂરી કરો. રાજા વેશ્યાને બાજુના ખંડમાં લઈ જઈને લાલ આંખ કરી પૂછે છે. પ્રજા વત્સલ રાજન! આપ આ અમરફળ ખાઈને અમર બની જાઓ. બેન, એકવાર મારા પ્રશ્નનો ઉત્તર આપ. આ ફળ તે કયાંથી મેળવ્યું? વેશ્યા નમ્રતાપૂર્વક કહે છે, આ ફળ મારા પ્રેમી મહાવતે મને આપ્યું છે જે આપના પટ્ટહસ્તિનો રક્ષક છે. રાજા વિચારે છે કે આ રાણીને આપેલું ફળ એ જ છે કે પાછું બીજું અમરફળ છે. વેશ્યાના ફળનો રાજા સ્વીકાર કરી વેશ્યાને રજા આપે છે. રાણી પાસેથી અમરફળ ગયું કયાં? મહાવત પાસે આવ્યું કયાંથી? રાજા બેચેન બન્યા છે. રાતે પોતાના આવાસમાં આવ્યા છે. રાજાનું મન સ્થિર નથી. વિકલ્પોના વાયરાઓ વાઈ રહ્યા છે. અસ્થિરતા, એ ઊંઘનો પણ ભોગ લે છે. એક સ્થાને સ્થિર થવું જ પડશે. તમે આલ્બમ તો ઘણા જોયા હશે. ફોટો સારો કયારે આવે? સ્થિર બેસો તો! ફોટો પડાવવા તમે એકદમ તૈયાર છો કેમેરાની ચાંપ દબાય એટલો જ સમય બરોબર એ જ વખતે તમને છીંક આવે તો? ફોટો ફેઈલ... પૈસા પાણીમાં... આત્માની આરાધનાને અસ્થિરતા ખલાસ કરી નાંખશે. પરમાત્મા મહાવીરદેવે પ્રસન્નચંદ્ર વિષે કહ્યું, હમણાં મરે તો સાતમી નરકે જાય. સ્થિરતા વગર કલ્યાણ નથી. આ જ્ઞાની ભગવંતના