________________
અશક્તિ ચાલે પણ આસક્તિ નહિ
0
દોષદષ્ટિ સર્વનાશનું કેન્દ્ર છે. દોષદષ્ટિ દુર્ગુણોની રાજધાની છે, પાપોનું પ્લેટફોર્મ છે. વસવસો વિનાશ કરે છે, મૈત્રીભાવના ધર્મતત્ત્વની શરૂઆત કરે છે. ગુણદષ્ટિ લાવશો તો જગત ઉપકારી લાગશે. સંસારમાં જાગતી તૃષ્ણા એ દીનતાની જનેતા છે. મરણથી ન ડરે અને જન્મથી ડરે તે જૈન. આસક્તિનું બીજું સ્વરૂપ છે ક્રોધ. આસક્તિ ગુલામ બનાવે, વિરક્તિ સ્વામી બનાવે છે. મરણ પછી જન્મ મળે તે ચારગતિ અને મરણ પછી જન્મ ન મળે તે સિદ્ધ ગતિ. જે હચમચે તે ઉખડે જ... પાપોને હચમચાવો. એક દિવસ ઉખડી જશે જ.
O
જ્ઞાનસારના સ્વાધ્યાયમાં જીવનને મંગલતાનો સ્પર્શ કરાવવાની અદ્ભુત વાતોની રજુઆત કરી છે. મહાન પુણ્ય મળેલ આ જીવન ધન્ય બનાવવાની પ્રેરણાઓ છે. તુચ્છતાનું આકર્ષણ છૂટી જાય, ક્ષુદ્રતાનું કવચ ઉતરી જાય, કૃપણતા ચાલી જાય ને એની જગ્યાએ આત્માના ગુણોની શ્રીમંતાઈ પ્રાપ્ત થઈ જાય. ઉદારતાની સાથે મહાનતા જામી જાય એવી પ્રેરક પ્રેરણાઓ ‘પૂર્ણતા'ના અષ્ટક દ્વારા સમજાવી છે.
જીવનમાં ગણદષ્ટિના વિકાસની વાતો કરી જ્ઞાનભંડાર નહિ પણ ગુણભંડાર બનાવે છે. અંધકજીની ચામડી ઉતારાઈ... ગજસુકુમાલ મુનિના માથે ખેરના અંગારાની પાઘ બંધાઈ... મેતારજના શરીરે ચામડાની વાઘર વીંટાળાઈ એ સમયે બધાએ ગુણદષ્ટિ કેળવી શાશ્વત સુખના ભોક્તા બની ગયા.
અપકારીને ઉપકારી માને તે જ સાચી ગુણદષ્ટિ.
આજે તો સંસાર આખો આસક્તિની આધારશીલા પર બેઠો છે. એને તોડવા જ્ઞાનદષ્ટિરૂપી વજન ઉપાડવાની જરૂર છે. જ્ઞાનદષ્ટિ આસક્તિમાંથી વિરક્તિમાં લઈ જશે. વિરક્તિમાં રહેલ એ વ્યક્તિ, વ્યક્તિ ન રહેતા વિભૂતિ બનશે.
–
• ૨૬ •