________________
૧૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
બીજી અપેક્ષાથી અન્ય ધર્મનો નિષેધ જણાવે છે. તદુપરાંત, ભિન્ન-ભિન્ન અપેક્ષાએ જુદા-જુદા ધર્મોનો તે સ્વીકાર કરે છે. તેથી ભિન્ન-ભિન્ન અપેક્ષાઓથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક સાથે રહેવામાં વિરોધ નથી. હા, એક જ અપેક્ષાથી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક પદાર્થમાં રહી શકતા નથી. પરંતુ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિભિન્ન ધર્મો એક વસ્તુમાં રહેવામાં કોઈ બાધ નથી. જેમ કે, દાર્શનિક જગતમાં નરસિંહાવતારની ચર્ચા પ્રસિદ્ધ છે. તે નરસિંહ મુખ આદિ અવયવોમાં સિંહના આકારનો છે તથા અન્ય પગ આદિ અવયવોની દૃષ્ટિથી મનુષ્યના આકારનો છે. તે બંને પ્રકારના અવયવોના અખંડ અવિભાગીરૂપ નરસિંહ છે. તેમાં ભેદદષ્ટિથી મનુષ્ય અને સિંહની કલ્પના કરી શકાતી હોવા છતાં પણ બંને પ્રકારના અવયવો સાથે તાદાત્મ રાખવાના કારણે અખંડ પદાર્થ છે. તેને નર પણ કહી શકાતો નથી, કારણ કે, અંશતઃ સિંહરૂપ પણ છે અને સિંહ પણ કહી શકાતો નથી, કારણ કે, અંશતઃ મનુષ્યરૂપ પણ છે. તે નરસિંહ તે બંનેથી એક ત્રીજી મિશ્ર જાતિનો અખંડ પદાર્થ છે, કે જેમાં બે ભાગ વિશેષ દેખાય છે. તેથી જે પદાર્થ ભાગદ્વયાત્મક છે, તે એક ભાગમાં સિંહાકાર છે અને એક ભાગમાં મનુષાકાર છે. છતાં પણ એમાં એક અન્વયી = અવિભાગ દ્રવ્ય છે અને (અવયવોની દૃષ્ટિથી) વિભાગ પણ છે. તેને નરસિંહ કહેવાય છે. તે નરસિંહ એકાંતે નરરૂપ કે એકાંતે સિંહરૂપ નથી. પરંતુ તે બંનેથી વિલક્ષણ જાતિવાચક નરસિંહ પદાર્થ છે. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક જ અખંડ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો રહી ગયા છે.
આ શાસ્ત્રીય ઉદાહરણથી અનેકાંતની સિદ્ધિ થાય જ છે. આ નરસિંહાવતાર અન્યદર્શનોમાં પ્રસિદ્ધ છે. તેથી તેઓ પણ એક યા બીજી રીતે અનેકાંતને સ્વીકારે જ છે. તે સિદ્ધ થાય છે. ગ્રંથોમાં બીજા વ્યવહારિક અને તાત્ત્વિક ઉદાહરણો પણ આપ્યા છે, તેને હવે ક્રમશઃ જોઈશું. તેથી અનેકાંતના વિષયમાં નિઃશંક બોધ થઈ શકે.