Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જન્મ-મરણરૂપી મહાદુઃખનાં ચક્રની ગતિ રોકવી અને પરમાનંદમય અવસ્થા પ્રાપ્ત કરવી એ મોક્ષ છે. જીવ અને કર્મયુગલનો જે અનાદિકાલીન સંબંધ છે તે જ બંધ છે - સંસાર છે અને તેનો વિયોગ તે જ મોક્ષ છે. મોક્ષ કાંઈ ઉત્પન્ન થનારી વસ્તુ નથી, માત્ર કર્મબંધનથી છૂટા થવું એ અવસ્થા જ આત્માનો મોક્ષ છે. કર્મનાં આવરણો ખસી જવાથી આત્માના સકળ ગુણો સંપૂર્ણપણે પ્રકાશિત થાય છે. આત્મા તેના મૂળ જ્યોતિર્મય ચિસ્વરૂપે પૂર્ણપણે પ્રકાશે છે. આનું નામ જ મોક્ષ છે. આત્મા જ્યારે સર્વ કર્મોના બંધનથી મુક્તિ મેળવે છે ત્યારે તે વિદેહમુક્ત બનેલ આત્મા સ્વતઃ સ્વભાવતઃ ઊર્ધ્વગતિ કરી લોકાકાશના અગ્રભાગે પહોંચે છે. સર્વથા નિર્મળ થયેલ મુક્તાત્માને ફરીથી ક્યારે પણ કર્મબંધન થતું નથી અને તેથી સંસારચક્રમાં તેને ફરી અવતાર લેવાપણું રહેતું નથી. બીજ અત્યંત બળી ગયા પછી તેમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી, તે પ્રમાણે કર્મરૂપી બીજ સર્વથા બળી ગયા પછી સંસારરૂપી અંકુર ઉત્પન્ન થતો નથી. (૩) બૌદ્ધ દર્શનની દૃષ્ટિએ મોક્ષ
બૌદ્ધ દર્શન આત્માના મોક્ષને નિર્વાણ કહે છે. નિર્વાણનો અર્થ છે બુઝાઈ જવું કે નાશ પામવું. જે બુઝાય છે તે તૃષ્ણા, દુઃખ અને પુનર્જન્મ છે. નિર્વાણની મૂળ બૌદ્ધ કલ્પના એવી છે કે તે એક અવાચ્ય, અવર્ણનીય સ્થિતિ છે. આ અશ્રુતપદ, અહીં આ જન્મમાં જ તૃષ્ણા અને સંયોજનોના સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્ત કરી શકાય છે. નિર્વાણ સર્વ દુઃખોના આત્યંતિક ઉચ્છેદની અવસ્થા છે. સર્વ દુઃખોનાં કારણોનો વિનાશ એ નિર્વાણ છે. ભવસંતાપની પરંપરાનો વિચ્છેદ થવો એ નિર્વાણ છે. પુનર્જન્મમાંથી છુટકારો એ નિર્વાણ છે. ક્લેશ, રાગ-દ્વેષનો ક્ષય એ નિર્વાણ છે. બૌદ્ધ દર્શનમાં નામ અને રૂપનો જે અનાદિ સંબંધ છે, તે જ સંસાર છે - બંધ છે અને તેનો વિયોગ તે જ નિર્વાણ છે. રૂપ, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન એ પાંચ સ્કંધોના નિરોધને બૌદ્ધો નિર્વાણ કહે છે. તેમના મત અનુસાર જ્યારે આર્ય અષ્ટાંગ માર્ગ દ્વારા નિર્વાણની પ્રાપ્તિ થાય છે ત્યારે પંચ સ્કંધનો નિરંતર ચાલતો પ્રવાહ સદાને માટે વિલીન થઈ જાય છે. જેમ તેલ ખૂટતાં દીવો ઓલવાઈ જાય છે, તેમ નિર્વાણ એ અક્ષરશઃ જીવના વ્યક્તિત્વનું શમન છે. દીપક ઓલવાય પછી તેની જ્યોતિ ભૂમિ તરફ જતી નથી અને આકાશ તરફ પણ જતી નથી અથવા દિશા અને વિદિશામાં પણ જતી નથી. તેલ ખૂટી જતાં જ્યોત શાંત થઈ જાય છે, તેવી જ રીતે જીવ જ્યારે નિર્વાણ પ્રાપ્ત કરે છે ત્યારે તે પણ પૃથ્વી, આકાશ અથવા કોઈ પણ દિશામાં જતો નથી, પરંતુ ક્લેશનો ક્ષય થવાથી શાંત થાય છે. નિર્વાણ એટલે દીપકની જેમ બુઝાઈ જવું. નિર્વાણના બે પ્રકાર છે - (૧) વાસનાઓનો નાશ થવાથી, અહંપણાનો ભાવ જ્યાં તદ્દન જ ગળી ગયો હોય તે અવસ્થા ઉપાધિશેષ કહેવાય છે. જેઓ મુક્ત થયા હોય છે તેમની ભવસંજ્ઞા તદ્દન જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org